Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં ઠેરઠેર તમે ઘણાં પાટિયાં વાંચતા હશો, જેમાં લખેલું હોય છે, LKG-UKG, કીન્ડર ગાર્ડન અથવા પ્રિ-સ્કૂલ….પરંતુ હવે આ બધું ભૂલી જવાનું છે. આગામી જૂનથી ફેરફારો આવી જશે. હાલમાં જામનગર સહિત રાજ્યભરમાં અંદાજે 40,000થી વધુ આવાં સંકુલો ચાલે છે. જે પૈકી મોટાભાગના આ સંકુલો બંગલામાં, ટેનામેન્ટમાં અથવા ભાડાનાં, સુવિધાઓ વિનાનાં રહેણાંક મકાનમાં ચાલતાં હોય છે. આ બધાં ધંધાકીય-શૈક્ષણિક સંસ્થાનો એવાં છે, જેનાં પર રાજ્યનો શિક્ષણ વિભાગ કોઈ જ દેખરેખ રાખતો નથી ! અત્યાર સુધી બધું જ ભંભેભંભ ચાલ્યું.
સરકારનાં શિક્ષણ વિભાગે એક દરખાસ્ત તૈયાર કરી છે. જેમાં જણાવાયું છે કે, 2 અને 3 વર્ષની ઉંમરનાં બાળકોને બાલવાટિકા-1 માં ભણાવવામાં આવશે. 4 અને 5 વર્ષની ઉંમરનાં બાળકોને બાલવાટિકા-2 માં ભણાવવામાં આવશે તથા પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવાં બાળકોને છ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી બાલવાટિકા-3 માં ભણવાનું રહેશે. પછી એ બાળકને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિને અનુસરવા ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય આગામી જૂનથી અમલમાં મૂકવામાં આવશે. અને, જૂનથી ત્રણ સ્તરની આ બાલવાટિકાઓ સરકારનાં નિયંત્રણમાં આવી જશે. ખાનગી અથવા સરકારી, તમામ 40,000થી વધુ બાલવાટિકાઓએ સરકારનાં નિયમો અનુસાર કામકાજ કરવાનું રહેશે.(જાણકારોના મતે, આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને ગૂંચ વધશે)
સૂત્રોએ જણાવ્યું છે કે, હવેથી ખાનગી અને સરકારી બાલવાટિકાઓએ સરકારનાં નિયમો અનુસાર બાળકોને શિક્ષણ આપવાનું રહેશે. અને, આ તમામ બાલવાટિકાઓમાં બાળકોનાં વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી પર પણ સરકારનું નિયંત્રણ રહેશે. આ તમામ સંસ્થાઓએ સરકારમાં નોંધણી પણ કરાવવાની રહેશે. આ બાલવાટિકાઓમાં ફી નક્કી થતાં પહેલાં સરકાર બાલવાટિકાઓનાં સંચાલકો સાથે પરામર્શ પણ કરશે અને તમામ ખાનગી બાલવાટિકાઓએ એકસમાન ફી વસૂલવાની રહેશે. આ બાલવાટિકાઓમાં શિક્ષણ આપતાં સ્ટાફની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત વગેરે બાબતો અંગે પણ સરકારનાં નિયમોનું પાલન ફરજિયાત કરાવવામાં આવશે.