Mysamachar.in-સુરતઃ
સુરતના ડીંડોલી ખાતેથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ ગરમ મસાલા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. ટેસ્ટી મસાલાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. આરોપી દ્વારા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મસાલા પેક કરવામાં આવી રહ્યા હતા. સુરતના ડીંડોલીની રાજદીપ સોસાયટીમાંથી ડુપ્લીકેટ મસાલાનું રેકેટ ઝડપાયું છે. બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ મસાલા સાથે પુખરાજ ઉર્ફે પ્રકાશ કલાલની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી સાત લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. પોલીસ વિગત પ્રમાણે એવરેસ્ટ કંપનીના બ્રાન્ડેડ મસાલાનું ડુપ્લીકેટ કરીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હતી. કંપનીના મેનેજરે પોલીસને સાથે રાખીને ડુપ્લીકેટ મસાલાની ફેક્ટરી પર છાપો માર્યો હતો. જેમાં પોલીસને સાત લાખથી વધુની કિમતના એવરેસ્ટ કંપનીના બ્રાન્ડેડ મસાલાના પેકેટ મળી આવ્યા હતા. પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી, વધુ તપાસ હાથ ધરી છે.