Mysamachar.in-અમદાવાદઃ
લગ્ન જીવનમાં જ્યારે ત્રીજી વ્યક્તિનું આગમન થાય ત્યારે કેવો અંજામ આવે છે, તેનું ઉદાહરણ આપતી ઘટના અમદાવાદમાં બની છે, અહીં પાલડી વિસ્તારમાં રહેતા એક દંપતીનો ઘરકંકાસ જગજાહેર થયો છે અને મામલો કોર્ટમાં પહોંચ્યો છે. એટલુ જ નહીં પરિણીતાએ પતિ વિરુદ્ધ માર મારવા તથા માનસિક તથા શારીરીક ત્રાસ આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ મહિલાને સાસરિયામાં દહેજ બાબતે પરેશાન કરવામાં આવતી હતી, તથા પિયરમાં રહેવા ગઈ ત્યારથી તેના સાસરિયાં કે પતિ તેને લેવા માટે ન આવ્યા. મહિલાએ ફેમિલી કોર્ટમાં પતિથી છૂટાછેડા લેવા માટે અરજી કરી છે. આ સિવાય ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબની પણ ફરિયાદ કોર્ટમાં કરી છે.
ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે લગ્નના થોડા જ વર્ષો બાદ સાસરિયાવાળાનો અસલી રંગ સામે આવ્યો હતો, જેમાં દહેજ બાબતે સાસુ દ્વારા મેણા મારવામાં આવતા, બાદમાં સાસુ દ્વારા ઉશ્કેરણી કર્યા બાદ પતિ મારઝૂડ કરતો. આ બધુ તો મહિલાએ સહન કરી લીધું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી પતિનો વ્યવહાર બદલાય ગયો, તે વહેલો નોકરી પર જતો રહેતો અને સાંજે મોડો ઘરે આવતો, આ અંગે પરિણીત મહિલાએ પતિની પૂછપરછ હાથ ધરી, જેમાં જાણવા મળ્યું કે તેનો પતિ કોઈ સ્ત્રી સાથે ફોનથી તથા મેસેજથી વાતચીત કરતો હતો. તેણે પતિને શાંતિથી પૂછતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને મારઝૂડ કરી કહ્યું કે મે તને માત્ર શરીર સંબંધ માટે જ રાખેલી છે. દરમિયાન મહિલાને તેના માતાપિતાએ ચાર લાખ રૂપિયા ભેટમાં આપ્યા હતા. જે વાતની જાણ થતાં પતિએ આ પૈસા લેવા માટે તેની સાથે રોજ ગાળાગાળી કરી મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. જેથી કંટાળીને મહિલાએ આ પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા હતા, પૈસા પડાવવા માટે પતિએ માર મારતા મહિલા તેના પુત્રને લઈને પિયરમાં આવી ગઈ હતી. મહિલાએ પાલડી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પતિ સામે દહેજ માગવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.