Mysamachar.in-સુરતઃ
સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પોલીસકર્મીએ વિધવા મહિલા પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી તરછોડી દેવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ ન લેતા વિધવાએ કોર્ટમાં ફરિયાદ કરી છે. જેમાં પીઆઈ દ્વારા આરોપી કોન્સ્ટેબલને બચાવવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. વાત સુરતની છે, અહીં સલાબતપુરા વિસ્તારમાં રહેતી વિધવા પર સલાબતપુરા પોલીસ મથકનાં પોલીસ કોન્સ્ટેબલે બળાત્કાર ગુજાર્યો હોવા સંદર્ભની કોર્ટ ફરિયાદ થઈ છે. સાથે એવો પણ આક્ષેપ થઇ રહ્યો છે કે ફરિયાદી મહિલા બૂટલેગર હોવાથી પોલીસે દુષ્કર્મની ફરિયાદ લેવા ગલ્લા-તલ્લા કર્યા હતા. જો કે કોર્ટમાં ફરિયાદ નોંધાયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોર્ટમાં થયેલી ફરિયાદ પ્રમાણે, પોલીસ કર્મચારી વર્ષ 2016થી નવેમ્બર 2018 સુધી અવાર-નવાર લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધતો હતો. દરમિયાન કોન્સ્ટેબલના અન્ય એક મહિલા પોલીસ કર્મચારી સાથે પણ સંબંધ હોવાનું સામે આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. પીડિતા દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે, પોલીસે ફરિયાદ ન લેતા આખરે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. ફરિયાદમાં જે તે સમયના સલાબતપુરા પોલીસ મથકના પીઆઈ વિજય ચૌધરી પર પણ આરોપીને બચાવવાના પ્રયાસો કરાતાં હોવાનો આરોપ લગાવાયો છે. ફરિયાદી બુટલેગર હોવાને કારણે પોલીસે માત્ર બુટલેગર હોવા સંદર્ભનો જવાબ લીધો હોવાનું કહેવામાં આવે છે. કોર્ટની ફરિયાદ બાદ સમગ્ર કેસમાં હાલ પુરાવાની ચકાસણી શરૂ થઈ છે. ત્યારબાદ આ ફરિયાદ સેશન્સમાં જશે. ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.