Mysamachar.in-અમદાવાદ
સોશ્યલ મીડિયાના દુરુપયોગ થકી કોઈને બદનામ કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદમાં વસવાટ કરતી એક પરિણીતાના ફોટો પતિના ફેસબુક એકાઉન્ટમાંથી સ્ક્રિન શોટ લઈ અજાણી વ્યક્તિએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી તેના પર પોસ્ટ કરી દીધા હતા. ફોટો પોસ્ટ કરી તેમાં પતિનો મોબાઈલ નંબર અને કોલગર્લ તરીકે દર્શાવતું બીભત્સ લખાણ લખ્યું હતું. પરિણીતાને આ મામલે જાણ થતાં તેણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં એક 30 વર્ષીય પરિણીતા વસવાટ કરે છે. તેના પતિ રાજકોટ ખાતે નોકરી કરે છે. થોડા દિવસ પહેલા પરિણીતાની મિત્રે તેને જાણ કરી હતી કે પાયલ પટેલ નામના ફેસબુક એકાઉન્ટમાં તેનો ફોટો, પતિનો મોબાઈલ નંબર અને કોલગર્લ દર્શાવતું બીભત્સ લખાણ લખ્યું છે. જેને લઈ તે એકાઉન્ટ પર તપાસ કરતા પાયલ પટેલના એકાઉન્ટમાં તેના પતિએ તેમના ફેસબુકમાં જે ફોટો મુક્યા હતા, તે જ ફોટોના સ્ક્રિન શોટ પાડી મુકવામાં આવ્યા હતા. જેને લઈ પરિણીતાએ સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.