Mysamachar.in-સુરત:
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ એટલો ઉગ્ર બન્યો કે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જીવ વિજ્ઞાન વિભાગમાં ભણતી યુવતીનો બાથરૂમમાં વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક વિદ્યાર્થી મહિલા ટોઇલેટના યુવતીઓના વીડિયો ઉતારતો હોવાનું વિદ્યાર્થીનીને ધ્યાને આવ્યું છે, જાણવા એવું પણ મળી રહ્યું છે કે પુરૂષ અને મહિલા ટોઇલેટ વચ્ચે માત્ર એક જ દીવાલ છે. સોમવારે બપોરે 1 વાગ્યાના સુમારે મહિલા વૉશરૂમથી નીકળી ત્યારે પાછળના ભાગે જોતાં બોયઝ વૉશરૂમની દીવાલ પરથી કોઇ માણસનો હાથ અને તેના હાથમાં લાલ રંગનો મોબાઇલ દેખાયો હતો. વિદ્યાર્થિનીએ બહાર આવીને જોયું તો એક છોકરો બહાર નીકળી ફટાફટ ત્યાંથી ભાગી ગયો હતો.
આ મામલે વિધાર્થિનીએ વિભાગીય વડાને ફરિયાદ કરતા વિભાગના વડાએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન 19 વર્ષીય અનુરાગ શ્રીવાસ્તવ નામના યુવકની ઓળખ થઈ હતી. તપાસમાં દરમિયાન અનુરાગે પોતાના મોબાઇલમાં રહેલા એક ફોલ્ડરનો પીન કોડ આપ્યો ન હતો. આ મુદ્દે રાત સુધી પૂછપરછ છતાં વિદ્યાર્થીએ મોબાઇલ આપ્યો ન હતો. આ બાબતે યુવતીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે આરોપીની અટકાયત કરી મોબાઈલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.