Mysamachar.in-સુરત
થોડા દિવસો પૂર્વે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ પોતાને પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી, પોલીસ કોન્સ્ટેબલ પતિના આડાસંબંધ, અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ટીશર્ટ ફાટેલું હોવાની આંશકા સાથે પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. અમિતાના પિતાએ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતેશ અને નણંદ મનીષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
પિતાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી દીકરી અમિતા 2011માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી. 2018માં તેની સુરતમાં બદલી થઈ હતી. અમિતાના લગ્ન ભાવનગર તળાજા રોડ પર રહેતા જીતેશ ઉર્ફે જિતુ ઉર્ફે જિતેન્દ્ર વ્યાસના દીકરા વૈભવ સાથે થયા હતા. વૈભવ અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 3-એપ્રિલ-2016માં અમિતાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. તેનું નામ જૈમિન છે. અમિતાની સુરત બદલી થતાં તે ફાલસાવાડીમાં ક્વાર્ટર્સમાં રહેતી હતી. ત્યારે તેના સસરા જીતેશ, સાસુ હર્ષાબેન, નણંદ અંકિતા ધવન મહેતા અને મનીષા હરદેવ ભટ્ટ અમિતાને ત્યાં આવ્યાં હતાં.
તેનાં સાસુ-સસરા-નણંદ સુરતથી જતાં ત્યારે જૈમિનને સાથે લઈ જતાં હતાં અમિતા ફોન પર મારી બીજી દીકરી કાજલ(અમિતાની નાની બહેન)ને વૈભવના બહારના આડાસંબંધો અને સાસરિયાં તેના આખા પગારની માગણી કરતાં હોઈ અને જૈમિનને પણ પોતાની સાથે ન રાખતા હોય એવી વાતો કરતી હતી. મારી દીકરીએ પોતાના નામે ફ્લેટ તેમજ બ્રિઝા કાર ખરીદી કરેલી એ બાબતે પણ સાસુ-સસરા, નણંદ તથા વૈભવ વારંવાર કેમ તે તારા નામે આ બધું કરી લીધું છે. વૈભવના નામે કેમ કાંઈ નથી લેતી એમ કહી હેરાન કરતાં હતાં.આમ આવા તમામ મુદ્દાઓ સાથેની ફરિયાદ બાદ પોલીસે આ કેસમાં તપાસને આગળ ધપાવી છે.