Mysamachar.in-જામનગર:
જામનગરનો એક વેપારી યુવાન હાલમાં જામનગર છોડી કચ્છમાં સ્થાયી થયો છે. અગાઉ આ વેપારી જામનગર રહેતો ત્યારે, આ વેપારીને જામનગરની રેખાબા નામની એક મહિલાએ હનીટ્રેપમાં ફસાવી લીધો હતો અને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી, બ્લેકમેલ કરી ‘લૂંટી’ લીધો હતો- એ મતલબની ફરિયાદ આ વેપારીએ જામનગરમાં નોંધાવી છે. રેખાબાનો પતિ તથા અન્ય એક શખ્સ પણ આ મામલામાં આરોપીઓ હોવાનું આ FIR કહે છે.
જામનગરમાં અગાઉ રણજિતસાગર રોડ પર સંગમબાગની સામે રહેતાં અને હાલ આદિપુરમાં રહેતાં 38 વર્ષના વેપારી અલ્પેશ ચંદુભાઈ વાળાએ, જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મહિલા સહિત કુલ 3 વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ દાખલ કરાવી છે. આરોપીઓ તરીકે રેખાબા પ્રવિણસિંહ ઝાલા, તેણીના પતિ પ્રવિણસિંહ ઝાલા તથા મહાવીરસિંહ ગોહિલના નામો જાહેર થયા છે. મહાવીરસિંહ કૃષ્ણનગરમાં રહે છે.

આ FIR માં ફરિયાદીએ જણાવ્યું કે, રેખાબાએ આ ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવી લીધો હતો. બાદમાં ન્યૂડ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી હતી. અવારનવાર બ્લેકમેલ કરી પૈસા કઢાવવા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રેખાબાએ આ વેપારી પાસેથી બળજબરીથી રૂ. એક લાખની કિંમતનો સોનાનો હાર પડાવી લીધો હતો. વેપારીની પત્ની તથા બાળકોને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપેલી. રેખાબા સહિતના આ ત્રણેય આરોપીઓ વેપારીના ઘરમાં ઘૂસી તોડફોડ પણ કરી આવ્યા હતાં. આ ઉપરાંત ત્રણેય આરોપીઓ આ વેપારીને જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરી અપમાનિત પણ કરતાં હતાં. આ મતલબની કેફિયત અલ્પેશ વાળાએ પોલીસ સમક્ષ નોંધાવી છે. પોલીસ આ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.અને સમગ્ર મામલે તટસ્થ તપાસ બાદ વધુ તથ્યો સામે આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.