Mysamachar.in-નર્મદા
આપણે ત્યાં નકલીનો તૂટો નથી, ક્યારેક નકલી પોલીસ, ક્યારેક નકલી ઇન્કમટેક્સ અધિકારી કળા કરી જતા હોવાનું સામે આવતું હોય છે, એવામાં રાજ્યના નર્મદા જીલ્લામાં નકલી એસપી બનીને ફરતી મહિલા ઝડપાઈ છે, અને આ મહિલાએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રહેતા અને એસબીઆઈમાં નોકરી કરતા કલાર્કના પુત્ર સાથે આર.એફ.ઓની નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 13 લાખની ઠગાઇ કરી હોવાનું પણ સામે આવ્યું છે,
મળતી વિગતો પ્રમાણે ડેડીયાપાડા ખાતે રહેતા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કલાર્ક તરીકે નોકરી કરતા શાંતિલાલ ચૌધરીના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરી વિશ્વાસમાં લઈને નકલી ડીએસપી બનીને બારડોલીની મહિલાએ રૂપિયા 13 લાખ રોકડા લઈ છેતરપિંડી કરી છે. જંગલ ખાતામાં આર.એફ.ઓની નોકરી આપવાના વાયદા કરી રૂપિયા ખંખેરી લેતા મામલો ડેડીયાપાડા પોલિસ સ્ટેશને પહોચ્યો છે. પોલીસે કૃતિક ચૌધરીની ફરિયાદ નોંધીને નકલી ડીએસપીને એક્સયુવી વૈભવી કારની સાથે પોલીસે ડ્રેસ ઉપરાંત પોલીસ નામનું બોર્ડ કબજે કર્યું છે. જેની તપાસ ચાલુ કરી છે. નકલી ડી.એસ.પી મહિલાનું પુરું નામ નેહા ધર્મેશ પટેલ છે. તે 103 બાબેન બંગલો તાલુકો બારડોલી જિલો સુરતની રહેવાસી છે.
અલગ અલગ મોટા લોકો સાથેની ઓળખાણ હોવાની વાતો કરતા આ બધી વાતોથી પરિવાર પ્રભાવિત થઈને આર.એફ.ઓની નોકરી મેળવવા માટે 13 લાખ રૂપિયા પણ આપી દીધા હતા. જોકે, પાછળથી પરિવારને આ મહિલા નકલી ડી.એસ.પી છે તેવી શંકા ગઇ હતી. જે બાદ આ અંગે ડેડીયાપાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ છટકું ગોઠવીને ડેડીયાપાડા પોલીસે આ મહિલાને પકડી પાડી હતી. આ મહિલા રોજ અલગ અલગ જગ્યાએ તપાસ માટે કૃતિકને પણ સાથે લઇ જતી હતી. જ્યાં કૃતિકએ પોલીસનો ડ્રેસ અને પોલીસ લખેલી નેમપ્લેટ અને પોલીસની ટોપી જોઈને માની લીધું હતું કે, ખરેખર આ મહિલા એસપી છે. અને બાદમાં ખરાઈ કરતા આ મહિલા નકલી ડીએસપી હોવાનું સામે આવ્યું છે.