Mysamachar.in-જામનગર:
જામનગરની શ્રીજી શિપિંગ કંપની સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદી કંપનીએ અમદાવાદની પાર્ટીને માલ પેટે મોકલાવેલ પેમેન્ટ અંગે આરોપી પાર્ટી આજની તારીખે પેમેન્ટ મળેલ નથી એવું જણાવે છે પણ ફરિયાદ કહે છે, જેતે સમયે ઓનલાઈન પેમેન્ટ મોકલી આપવામાં આવેલું. આ પેમેન્ટ ગયું ક્યાં ? તે અંગેની હવેની તપાસ જામનગર સાયબર ક્રાઈમ બ્રાંચ કરશે.
શ્રીજી શિપિંગ કંપનીમાં ખરીદીનો વિભાગ સંભાળતા એક્ઝિક્યુટિવ પ્રતિક ચંદ્રેશભાઈ ઓઝાએ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ અનુસાર ઠગાઈનો આ મામલો નવેમ્બર, 2023થી અત્યાર સુધીમાં બન્યો છે. ફરિયાદ કહે છે: શ્રીજી શિપિંગ કંપનીએ જેતે સમયે અમદાવાદની કંપની રાજવી એન્ટરપ્રાઈઝને ફ્લોટિંગ ક્રેનના ઓઈલનો પરચેઝ ઓર્ડર ઈ-મેઈલ મારફતે મોકલ્યો હતો. બાદમાં અમદાવાદની કંપનીએ જામનગરની કંપનીને ઓનલાઈન ઈન્વોઈસ મોકલાવી હતી. આ ઈન્વોઈસમાં જણાવ્યા અનુસાર, શ્રીજી શિપિંગ કંપનીએ જેતે સમયે અમદાવાદની કંપનીને રૂ. 8,62,184નું પેમેન્ટ કરેલું. પરંતુ ત્યારબાદ અત્યાર સુધીમાં જામનગરની કંપનીને આ ઈન્વોઈસ મુજબનો માલ મળેલ નથી. અમદાવાદની કંપનીના જવાબદાર બિરજુ શાહે કહ્યું કે, પેમેન્ટ મળેલ નથી.
આ મામલામાં બિરજુ શાહે શ્રીજી શિપિંગ કંપનીને એમ પણ કહેલું કે, તમે જે એકાઉન્ટમાં નાણાં મોકલી આપ્યાનું કહો છો, એ બેંક એકાઉન્ટ અમારી કંપનીનું નથી. આમ શ્રીજી શિપિંગ કંપની સાથે આરોપીઓએ કાવતરૂં રચી ઓનલાઈન ઠગાઈ કરી હોય, આ ગુનાની તપાસ માટે જામનગરની કંપનીએ ફરિયાદ દાખલ કરાવી છે.