Mysamachar.in:ગુજરાત
કોરોના સમયે કોરોનાની વિવિધ રસીઓએ ચર્ચાઓ જગાવી હતી. આ રસીઓ સંપૂર્ણ સલામત છે એવા દાવાઓનો પણ ધૂમ પ્રચાર કરવામાં આવેલો. ત્યારબાદ એક RTI અરજી થતાં, જવાબ પરથી જાણવા મળ્યું છે કે, દરેક પ્રકારની કોરોના રસીએ લોકોને આડઅસરોની ભેટ આપી છે ! અને, આ આડઅસરો સંખ્યાબંધ છે ! પૂના શહેરનાં પ્રફુલ્લ સારડા નામનાં એક અરજદારે આ RTI અરજી કરી હતી. જેનાં જવાબમાં સરકારનાં બે વૈજ્ઞાનિક સંગઠનો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ જણાવ્યું છે કે, વિવિધ કોરોના રસીઓને કારણે વિવિધ પ્રકારની આડઅસરો જોવા મળી રહી છે. આ વૈજ્ઞાનિક સંસ્થાઓએ રસીઓના નામો અને તેનાથી થતી આડઅસરો અંગે જે કાંઈ માહિતી જાહેર કરી છે, તે આ પ્રમાણે છે.
COVAX રસીની આડઅસરો: ઈન્જેકશન લીધું હોય ત્યાં દુઃખાવો, માથાનો દુઃખાવો, સાંધામાં દુઃખાવો, હાથ પર ખંજવાળ, થાક, અસ્વસ્થતા, પીઠનો દુઃખાવો, ઉલટી ઉબકા, અસ્થિરતા, ઠંડી લાગવી, તાવ, સ્નાયુઓ અને શરીરનાં વિવિધ અંગોમાં દુઃખાવો.
COVAXIN ની આડઅસરો: પરસેવો વળી જવો, શરદી, ચક્કર, ઉલટી, તાવ, ઉધરસ, શરીરમાં દુઃખાવો, પેટમાં તથા માથામાં દુઃખાવો, શરીરમાં ધ્રૂજારી તથા સતત અને અકારણ થાક લાગવો.
CARBIVAX ની આડઅસરો : સોજો આવવો, શરીરમાં બળતરા, પેટમાં બળતરા, થાક, ફોલ્લીઓ, ખંજવાળ, તાવ અને પાયરેકિસયા તથા ઈન્જેકશન લીધેલાં હાથમાં દુઃખાવો.
આ અરજીમાં અરજદારે એમ પણ પૂછ્યું કે, સરકારે આ આડઅસરો અંગે હોસ્પિટલ, રસીકરણ કેન્દ્રો વગેરેને જાણ કરવામાં આવી છે ? આ અંગેનો સંપૂર્ણ ડેટા પણ અરજદારે માંગ્યો છે. આ અરજીના જવાબમાં સરકારે કહ્યું : 100 કરોડ લોકોને રસી આપવામાં આવી છે, બહુ ઓછાં લોકોમાં આડઅસરો જોવા મળી છે.






