Mysamachar.in-જામનગર
શિયાળો એટલે હેલ્થી સીઝન કહેવાય… એવામાં જાણકારો કહે છે એક શિયાળામાં લેવાતા વસાણા, લીલાશાકભાજી, સહિતના આખાવર્ષની ઉર્જા શરીરને આપનાર હોય છે, એવામાં વિટામીન C નો સ્ત્રોત શરીરમાં ભરપુર રાખવા આમળાનું સેવન કરવું ઉત્તમ કહેવાય છે અને આમળાના કેટલાય તો ફાયદાઓ છે, શિયાળો શરૂ થતા જ આમળા મળવાનું શરૂ થઈ જાય છે. આમળાને અમૃતફળ પણ કહેવાય છે, કારણ કે આબળાના સેવનથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને અનેક નાની-મોટી બિમારીઓને મ્હાત આપી શકાય છે,
આબળાના સેવનથી વ્યક્તિ નિત્ય યુવાન રહી શકે છે અને ઉંમરની સાથે આવતી વ્યાધિઓ જેમકે ડાયાબિટિસ, હાઇ બ્લડ પ્રેશર કે હાઈપર ટેન્શનથી બચી શકાય છે. આબળામાંથી બનતા ચ્યવનપ્રાશનો ઉપયોગ રોજ કરવામાં આવે તો શરદી, ખાંસી, એલર્જી જેવી સિઝનલ બિમારીઓથી રક્ષણ મળે છે. અને રોગપ્રતિકારક શક્તિમાં અને શરીરની તાકાતમાં વધારો થાય છે. તો વળી હાઈપર એસીડીટી, પાઈલ્સ અને માસિકમાં વધારે પડતા રક્તસ્ત્રાવની સમસ્યામાં પણ આબળાના રસ કે ચૂર્ણના સેવનથી ફાયદો થાય છે, કોલેસ્ટ્રોલની સમસ્યાની આજકાલ ખુબજ સામાન્ય થઇ ગઇ છે. આબળાનો રસ તેમાં પણ રાહત આપે છે. આંબળા લોહીને પાતળુ કરીને કોલેસ્ટ્રોલની સમસ્યાથી મુક્તિ અપાવે છે.
100 ગ્રામમાં આબળામાં 450 મિલી ગ્રામ વિટામિન સી હોય છે. જે સૌથી વધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમજ ત્વચાને ચમકદાર બનાવવા માટે વિટામિન સી રોજ લેવુ જરૂરી છે. વિટામિન સીનો કુદરતી અને સૌથી સારો સ્ત્રોત છે આબળા. કબજિયાત કે પેટ સાફ ન થતુ હોવાની તકલીફ દરેક રોગનું મૂળ છે. તેમાં પણ આબળાનો પ્રયોગ અસરકારક છે. સવારે ભૂખ્યા પેટે આબળાનો રસ 10 થી 20 એમએલ લેવામાં આવે તો પેટ સાફ થાય છે અને કબજિયાત રહેતી નથી. કારણ કે આબળા મૃદુ રેચક છે અને તેમાં રહેલુ ફાયબર પણ ઘણું લાભકારી છે.
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા તેમજ ડાયાબિટિસની સાઈડ ઈફેક્ટ્સથી બચવા માટે આર્યુર્વેદમાં આબળા અને હળદરનો પ્રયોગ વર્ણવાયો છે. આ બન્નેનો પાવડર સરખા ભાગે મિક્સ કરી સવાર-સાંજ એક એક ચમચી લેવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આમ શિયાળાની સિઝનમાં ખુબ મળતા આમળાનું સેવન આપણા શરીરને અનેકો ફાયદાઓ કરાવે છે.