Mysamachar.in:ગાંધીનગર
આગ લાગે ત્યારે કૂવો ખોદવાનું શરૂ કરવું ! અથવા, તરસ લાગે ત્યારે કૂવો ખોદવાનું શરૂ કરવું ! વાજબી લેખી શકાય ?! રાજ્યમાં અત્યારે સ્થિતિ આ છે ! સમગ્ર રાજ્યમાં ઉનાળાને કારણે તથા આર્થિક તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધવાને કારણે, વીજળીની માંગમાં બેફામ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકારી વીજ ઉત્પાદન ઓછું. ખાનગી વીજખરીદી ધૂમ. છેક પાવર એક્સચેન્જમાં વીજળીની ખરીદી કરવા જવું પડી રહ્યું છે ! આમ છતાં, કોઈ જ આગોતરું આયોજન કરવામાં આવ્યું હોય તેવું દેખાતું નથી ! જાહેર થયું નથી.
વીજ ક્ષેત્રનાં નિષ્ણાતો કહે છે : હાલમાં રાજ્યમાં વીજ માંગ ખૂબ જ મોટી છે. માંગ હજુ પણ વધશે. બીજી બાજુ ઉત્પાદન સંતોષજનક નથી. આ સ્થિતિમાં એવું બની શકે છે કે, રાજ્યમાં વીજકાપ લાદવામાં આવે. અથવા, ખપતને પહોંચી વળવા વીજદરમાં વધારો કરવામાં આવે ! ગુજરાતમાં આમેય વીજદરો ઉંચા છે જ. સરકારી વીજ ઉત્પાદનમાં ધાંધિયા છે. ખાનગી વીજખરીદી ધૂમ કરવી પડે છે. કંપનીઓને ઉંચા ભાવો પણ ચૂકવવા પડે છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં વીજમાંગમાં સંભવિત વધારાને ધ્યાનમાં રાખી, ‘જર્ક’ એ તાકીદે બેઠક બોલાવી, યોગ્ય નિર્ણય લેવો જોઈએ એમ પણ નિષ્ણાંત ઉમેરી રહ્યા છે.
હાલમાં ગુજરાતમાં વીજવપરાશ 21,000MW કરતાં વધુ છે. આગામી મહિનામાં આ વીજમાંગ 22,000MW થઈ શકે છે. 22,000MW નો આંકડો ક્રોસ પણ થઈ શકે છે. સરકારનાં પાવર પ્લાન્ટ ક્ષમતા જેટલું વીજ ઉત્પાદન કરતાં નથી ! અને, ઉનાળામાં આ પ્લાન્ટસમાં વીજ ઉત્પાદન વધારવા કોઈ જ આગોતરાં પગલાં લેવામાં આવ્યાં નથી ! સરકારે માંગને પહોંચી વળવા એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં એનર્જી એક્સચેન્જમાંથી 1,200MW કરતાં વધુ વીજળી ખરીદવી પડી છે. સરકારનાં ધુવારણ અને ઉતરાણ ખાતે આવેલાં બે વીજ પ્લાન્ટ એક વર્ષથી બંધ પડ્યા છે. કારણ કે, ઉત્પાદન ખર્ચ વધુ આવતો હતો તેથી સરકારે જ આ પ્લાન્ટ બંધ કરી દીધાં છે. આ બંને પ્લાન્ટ ગેસ આધારિત છે. જેની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા 1,000MW જેટલી છે.
ઉર્જા વિભાગે કહ્યું છે કે, 16 માર્ચથી 15 જૂન સુધી વીજ ઉત્પાદન પ્લાન્ટ આયાતી કોલસાનો ઉપયોગ કરીને ચાલુ રાખવા અને તેમાં ઉત્પાદન ખર્ચમાં જે વધારો ભોગવવો પડે તે વધારાનો ખર્ચ વીજગ્રાહકો પાસેથી વસૂલી શકાશે. બીજી તરફ ભારત સરકારનાં નવા પોર્ટલ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પરથી વીજળીની ખરીદી મોંઘી પડી રહી છે. એક્સચેન્જ પર પ્રતિ યુનિટનો ભાવ રૂ.12 થી રૂ.50 ની રેન્જમાં છે. આ સ્થિતિમાં ગુજરાતનાં 1.65 કરોડ વીજગ્રાહકો પૈકીનાં પ્રમાણિક વીજગ્રાહકોએ મોંઘી વીજળી અથવા પાવરકટ માટે તૈયાર રહેવું પડશે એમ નિષ્ણાતો કહે છે. રાજ્યનાં વીજક્ષેત્રનું ધ્યાન રાખવા સરકારે સ્ટેટ એડવાઈઝરી કમિટી રચેલી છે. આ કમિટી કેટલું કામ કરે છે ? જૂઓ. પાછલાં 43 મહિનાથી આ કમિટીની બેઠક જ નથી મળી !!!