Mysamachar.in-જામનગર:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પડ્યા છે, આજની તારીખે પણ આ પડઘાની ગૂંજ સાંભળવા મળી રહી છે, જામનગરનો લોકમેળો પણ આવા જ કારણોસર વિવાદમાં સપડાયો છે. જામનગરનો લોકમેળો પ્રદર્શન મેદાન પર ન થવો જોઈએ, એવી માંગ અદાલત સમક્ષ થઇ છે. આ કાનૂની જંગમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકાએ પીછેહઠ કરવી પડી છે, આ અરજદારની અરજી રદ્દ કરાવવા મહાનગરપાલિકા અદાલતમાં પહોંચી હતી પરંતુ અદાલતે ખુદ મહાનગરપાલિકાની જ અરજી ફગાવી દીધી. હવે આ મામલે આજે અદાલતમાં સુનાવણી થશે.
અરજદાર કલ્પેશ આશાણીએ પ્રદર્શન મેદાન પરના મહાનગરપાલિકાના લોકમેળા વિરુદ્ધ મનાઈહુકમની માંગ કરી છે. જેની સુનાવણી આજે છે. આ અગાઉ અરજદારે મહાનગરપાલિકાને લોકમેળાઓ અહીં ન યોજવા મુદ્દે લીગલ નોટિસ આપી હોવા છતાં, મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયાઓ વગેરે યોજી હતી. આથી અરજદારે લોકમેળાઓ મુદ્દે અદાલતમાં મહાનગરપાલિકા વિરુદ્ધ દાવો દાખલ કરેલો. જેના જવાબમાં મહાનગરપાલિકાએ અરજદારનો દાવો રદ્દ કરાવવા અદાલતમાં અરજી કરેલી, અદાલતે મહાનગરપાલિકાની અરજી ફગાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, લોકમેળાઓ અંગેની ટેન્ડર પ્રોસેસ વગેરે અગાઉ જ મહાનગરપાલિકાને લીગલ નોટિસ મળી ચૂકી હોવા છતાં, મહાનગરપાલિકાએ મનસ્વી રીતે નિર્ણય લઈ ટેન્ડર વગેરે પ્રક્રિયાઓ કરી હતી. મહાનગરપાલિકાએ લીગલ પ્રોસેસ પૂર્ણ કરી ન હતી. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, પ્રદર્શન મેદાન પર લોકમેળાઓ ન યોજવા અંગે અરજદારે દાખલ કરેલાં દાવામાં જે મુદ્દાઓનો સમાવેશ કર્યો છે, તે મુદ્દાઓ ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ હોય, સૌની નજર આજની અદાલતી સુનાવણી પર છે. અદાલત આ લોકમેળા વિરુદ્ધ મનાઈહુકમ આપશે કે કેમ ? આ મુદ્દો સમગ્ર શહેર જ નહીં, હાલારભરમાં ચર્ચાઓમાં છે.(file image source:google)
