Mysamachar.in-સુરેન્દ્રનગર
અનૈતિક સબંધોનો અંજામ મોટાભાગના કિસ્સાઓમાં કરુણ જ આવે છે, સુરેન્દ્રનગરમાં પણ લગ્ન બાદ પોતાના પ્રેમી પાછળ પાગલ બનેલ પ્રેમિકાએ પોતાના જ પતિનું કાસળ પ્રેમીની મદદથી કાઢી નાખ્યાની ઘટના પરથી પોલીસે પરદો ઊંચકી નાખ્યો છે, સુરેન્દ્રનગર જીલ્લાના સાયલાના ઢાંકણિયાની સીમ જમીનમાં આવેલી વાડીએ જેમાભાઈ રૂપાભાઈ વાઘેલા અને તેની પત્ની રેખા સૂતાં હતાં. એ દરમિયાન રાત્રિના સમયે રેખાએ ઢાંકણિયા ગામે પરિવારજનોને ફોન કરીને જેમાભાઇ ઢોર તગેડવા જતાં તારમાં ફસાયેલા જેમાભાઇનું ગળેફાંસો થતાં મોત થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે મૃતકની લાશને પીએમ માટેની ના કહેતાં પરિવારજનોએ સવારે જેમાભાઇના અગ્નિસંસ્કાર કર્યા હતા,
પરંતુ પરિવારજનોને જેમાભાઇના મોત બાબતની આશંકાએ વધુ તપાસ હાથ ધરતાં વાડીમાં ખાટલાની તૂટેલી ઇસ અને લોહીના ડાઘવાળો રૂમાલ હાથ લાગ્યો હતો. પરિવારજનોએ રેખાની પૂછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ ન મળતાં મામલો સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યો. જે બાદ મહિલા પોલીસ સંગીતાબેને રેખાની પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને બે વર્ષથી સોનગઢના ભરતભાઇ ભોપાભાઇ રંગપરા સાથે પ્રેમસંબંધ હોવાનું અને પતિનું કાસળ કાઢવાનું કાવતરું કર્યું હોવાનું જણાવતાં પરિવારજનો હેબતાઇ ગયાં હતાં.
વિશેષ પૂછપરછમાં ઢાંકણિયાની વાડીએ રાત્રિના સમયે ખાટલા સૂતેલા પતિ જેમાભાઇને મોતને ઘાટ ઉતારવા પત્ની અને પ્રેમી ભરતભાઇ સાથે મળી દુપટ્ટો અને સાડીથી ગળેફાંસો આપતાં જેમાભાઇ જાગી જતાં સામનો કરતાં પત્ની રેખા અને પ્રેમી ભરત ભોપાભાઇ તેની ઉપર ચઢી સાડીથી ગળેફાંસો આપતાં મોઢામાં નીકળેલું લોહી રૂમાલથી દબાવી દેતાં મોત થયું હોવાનું જણાવતાં પરિવારજનોમાં રેખા ઉપર રોષ જોવા મળ્યો હતો. પતિની હયાતીમાં પ્રેમી સાથે રહી શકાય નહીં, તેથી પતિનું કાસળ કાઢવા માટે 3 માસથી આયોજન કરતી હોવાની પત્ની રેખા પોલીસને જણાવતાં સાયલા પોલીસ પણ દંગ રહી ગઈ.
અગ્નિસંસ્કાર બાદ મોત બાબતની આશંકાએ રમેશભાઇ વાઘેલા, દેવસીભાઇ મેર, મોહનભાઇ કાનાભાઇ, રૂપાભાઇ વાઘેલા વાડીએ ગયા હતા અને ઓરડી નજીક તૂટેલો ખાટલો અને એની લોહીવાળી ઇસ અને નજીકમાં પડેલા રૂમાલ પણ લોહીવાળો જોવામાં આવતાં સાયલા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને વિશેષ તપાસમાં આ સમગ્ર હત્યાકેસ પરથી પરદો ઉઠી જવા પામ્યો છે.