Mysamachar.in-સુરત
સુરતના પુણા સ્થિત મુક્તિધામ સોસાયટી વિસ્તારમાં અઠવાડિયા પૂર્વે પત્નીની હત્યા કરીને લાશને રૂમમાં સંતાડીને ભાગી જનાર આરોપી પતિની પુણા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. દલાલો મારફત લગ્ન કરનાર યુવકને પત્નીએ માર મારતા પત્નીનું ગળું દબાવી હત્યા કરી, લાશ કોથળામાં પેક કરીને એક રાત સાથે ઉંઘ્યો હતો. ત્યારબાદ વતન રાજસ્થાન ભાગી ગયો હતો. મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો નીમ્બાલી ગામનો વતની લીખારામ ઉર્ફ લક્ષ્મણ કેશારામ ચૌધરી હાલ સુરતમાં અર્ચના સ્કૂલ પાસે મુક્તિધામ સોસાયટીમાં મકાન નંબર 650ની ટેરેસવાળી રૂમમાં રહેતો હતો. તેના થોડા મહિનાઓ પહેલા જ દલાલોના માધ્યમથી કૌશલ્યા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તે માટે દલાલોનો ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ લગ્ન બાદ કૌશલ્યા લીખારામ સાથે સારૂ વર્તન કરતી ન હતી. અવાર-નવાર ઝગડાઓ કરતી હતી.
એવામાં ગત 2-3 ડિસેમ્બરની રાત્રે કૌશલ્યાએ લીખારામને માર માર્યો હતો. તેથી લીખારામને અપમાન જેવું લાગતું હતું. આ વાત લાગી આવી હતી. તે આખી રાત સુતો ન હતો. સવાર-સવારમાં લીખારામે કૌશલ્યા સુતેલી હતી ત્યારે દોરીથી કૌશલ્યાનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ લાશને કોથળામાં પેક કરી દીધી હતી. ત્રણ તારીખની રાત્રે કોથળાને બાજુમાં રાખીને જ સૂઈ ગયો હતો. ચાર તારીખે સવારે તે લાશવાળો કોથળો ત્યાં જ મુકીને રૂમ ખાલી કરીને નાસી ગયો હતો. પુણા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પતિને અઠવાડિયા બાદ રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.અને તેના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.