Mysamachar.in-અમદાવાદઃ
પતિ, પત્ની ઔર વો, નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં એક પરણિતાએ પોતાના પતિ અને બે નણંદ વિરુદ્ધ માનસિક અને શારીરીક ત્રાસ ગુજારવા અને પતિના અન્ય યુવતી સાથે આડાસંબંધ અંગે ફરિયાદ નોંધાવી છે. વાત છે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેતી, અહીં એક મહિલાને લગ્નને 16 વર્ષમાં સંતાનમાં બે દીકરી હોવા અને પુત્રની ઇચ્છા રાખતા સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો, એટલું જ નહીં ઘરમાં નણંદ અને પતિ દ્વારા મેણા ટોણાં મારવામાં આવતા, તો પતિના અન્ય યુવતી સાથે આડાસંબંધ હતા. જેથી કંટાળી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પરણિતાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેને 16 વર્ષના લગ્નજીવન સંતાનમાં બે દીકરી છે, જો કે તેના સાસરિયાઓને પુત્રની ઇચ્છા છે. આ વાતનો ખાર રાખી તેના પર અવાર નવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો, તેની નણંદ ઘરકામમાં ભૂલો કાઢી તારા પેટે તો પથ્થર જનમ્યા છે જેવા મેણા-ટોણા મારતી, બંને નણંદ તેના ભાઇને ખોટી ખોટી ફરિયાદો કરતી જેથી તેનો પતિ મારઝૂડ કરવાની સાથે શારીરીક અને માનસિક ત્રાસ ગુજારતો, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તેના પતિ ક્લબમાં મેનેજરની નોકરી કરે છે, અહીં તેના સાથે નોકરી કરતી અન્ય યુવતી સાથે આડાસંબંધ છે. 20 ઓકટોબરે તેનો પતિ તેને ઘરમાં પૂરીને જતો રહ્યો હતો, જો કે તેણે આસપાસના પુરુષોને બોલાવી દરવાજો ખોલાવ્યો હતો. બહાર નીકળી તે યુવતીના ઘરે પહોંચી જ્યાં તેનો પતિ રંગેહાથ ઝડપાયો હતો. મહિલાએ યુવતી વિરુદ્ધ મણીનગર અને તેની નણંદ અને પતિ સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી હતી.