Mysamachar.in-જામનગર:
મતદારોને આકર્ષવાનાં અને પ્રોત્સાહિત કરવાનાં તમામ પ્રયાસો માત્ર હવાતિયાં પૂરવાર થયાં ! લાખ્ખો મતદારો ઘરોની બહાર નીકળ્યા જ નહીં ! જામનગરમાં મતદાન નિરસ રહેતાં વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
જામનગર જિલ્લામાં વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનમાં નોંધપાત્ર ( અંદાજે પાંચેક ટકા જેટલો) ઘટાડો જોવા મળતાં, ઉમેદવારોમાં ફડક, રાજકીય પક્ષોમાં અકળામણ અને કાર્યકરોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંખ્ય મતદારોએ મતદાનથી દૂર રહેવાનું પસંદ કર્યું ! એક ચર્ચા એવી પણ છે કે – તેની પાછળ કોઈ ઉંડી ચાલ પણ હોય શકે, જે ખૂબ જ શાતિર રીતે રમાઈ ગઈ હોય, એવું પણ બની શકે.
વડાપ્રધાન સહિતનાં મહાનુભાવોનાં ધૂંઆધાર મેગા શો, કેજરીવાલનાં આંટાફેરા અને કોન્ગ્રેસના નેતાઓની દોડધામ કે ઉમેદવારોનાં લોકસંપર્ક – કશું જ કામ ન આવ્યું. સંપૂર્ણ નિરસ ચૂંટણી. એક પ્રકારની લાલબત્તી. કોઈ જ મતદાનમથક પર મતદારો ઉમટી પડ્યા નહીં. ઉમેદવારો અને મહાનુભાવોએ વધુ મતદાન માટે કરેલી અપીલો પણ મતદારોની ઉદાસીનતામાં તણાઈ ગઈ.
જામનગર જિલ્લાનાં આંકડાઓ જોઈએ તો, 2017 ની ચૂંટણીમાં કાલાવડ વિધાનસભા બેઠક 61.1 ટકા મતદાન થયેલું જેની સામે આ વખતે 54.1 ટકા મતદાન થયું. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પણ આવું છે. ગત્ ચૂંટણીમાં 66.28 ટકા મતદાન થયેલું, આ વખતે 63.91 ટકા મતદાન થયું. રસાકસીભર્યો કહેવાતો જંગ પણ તોતિંગ મતદાન નોંધાવી શક્યો નહીં ! જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર pપણ ઓછું મતદાન નોંધાયું. લોકોએ સેલિબ્રિટી સાથે માત્ર ફોટા જ પડાવ્યા ?! આ બેઠક પર 2017 માં 65.5 ટકા મતદાન થયેલું. આ વખતે 55.96 ટકા મતદાન માંડ માંડ થયું. જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર પણ આવાં જ હાલ જોવા મળ્યા ! ભારે મતદાનની તમામ વાતો હવામાં ઉડી જવા પામી. 2017માં અહીં 64.55 ટકા મતદાન થયું હતું. આ વખતે 57.33 ટકા મતદાન કરાવવામાં સૌને આંખે પાણી આવી ગયાં ! સમગ્ર જિલ્લામાં એક માત્ર જામજોધપુર બેઠક પર કાંઈક સારૂં કહી શકાય એવું મતદાન થયું. જો કે, 2017 કરતાં તો ઓછું જ રહ્યું ! પુષ્કળ મહેનત પછી પણ મતદાન 65.28 ટકાએ પહોંચી શક્યું. જે 2017 માં 66.06 ટકા રહ્યું હતું. તો જામનગર જીલ્લામાં કુલ 59.29 % મતદાન નોંધાયો નો આંકડો સામે આવ્યો છે.
માત્ર જામનગર જિલ્લામાં જ મતદાન ઘટયું છે એવું પણ નથી ! સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન ઘટયું. પાછલાં પંદર વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે નોંધાયું. કુલ 19 જિલ્લાની વાત કરીએ તો, એકમાત્ર ગારીયાધાર બેઠકને બાદ કરતાં તમામ 88 બેઠકો પર મતદાનની ટકાવારી 5 થી 11 ટકા જેટલી ઘટી !! મોદી તથા કેજરીવાલનાં કહેવાતાં મેગાશો પણ એ અર્થમાં ફલોપ રહ્યા કે, તેઓ પણ કોઈ જ વંટોળ સર્જી શક્યા નહીં ! આઠમીએ, પરિણામને દિવસે શું થશે ?! સર્વત્ર એક જ વાત !!!!