Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર છેતરપીંડિ સહિતના ગુનાઓ વધી રહ્યાં છે. હાલમાં જ સાયબર ક્રાઇમ દ્વારા અમિત શાહના હસ્તે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ મીડિયા પર થયેલા ગુનાઓને ગણતરીના કલાકોમાં જ શોધી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. આ વખતે ગુજરાતના જાણીતી સિંગર જિગ્નેશ કવિરાજે સાયબર ક્રાઇમની મદદ માગી છે. જિગ્નેશ કવિરાજે ફરિયાદમાં જણાવ્યું કે નવેમ્બર મહિના પહેલાં અજાણી વ્યક્તિએ તેના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. આ બનાવટી ફેસબુક એકાઉન્ટમાં તેની મંજૂરી વગર તેનો ફોટો મૂકી અને અલગ-અલગ સ્ટેટસ મૂકતો હતો. જેમ કે મારે નવા સોંગ માટે સારી હિરોઈન જોઈએ છે જેને પણ મારી સાથે હીરોઈન તરીકે કામ કરવું હોય તેમને એફબીમાં એસએમએસ કરે અને ફોટા મોકલો, તથા મારી જોડે કોને કામ કરવું છે જેને કરવું હોય તે મને SMS કરે.
બાદમાં જિગ્નેશ કવિરાજ સાથે કામ કરવા ઇચ્છતી યુવતી કે મહિલા આ ફેસબૂક પર મેસેજ કરે તો આરોપી શખ્સ મેસેન્જરમાં તેની સાથે વાતચીત કરતો. આ વાતની જાણ જિગ્નેશ કવિરાજના મિત્ર સર્કલને થતા તેઓએ જિગ્નેશ કવિરાજને જાણ કરી હતી, બાદમાં જિગ્નેશ કવિરાજે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે સાયબર ક્રાઈમે તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપી જિગ્નેશ કવિરાજની નજીકનો જ માણસ છે, પોલીસે તપાસ કરી પ્રકાશ નામનાં આરોપીની ધરપકડ કરી છે. આરોપી જીગ્નેશ કવિરાજનો જ ઓળખીતો છે અને તે અવાર નવાર જીગ્નેશ સાથે જ કાર્યક્રમોમાં જતો હતો. આટલું જ નહીં આરોપી મહિલાઓને મેસેજો કરી જીગ્નેશ હોવાનું કહી તેનો જન્મદિવસ છે એમ કહી ગિફ્ટમાં સોનાની વસ્તુ માંગતો હતો. મહિલાઓ ને એવું પણ કહેતો કે આમ તો હું આવી વસ્તુ નથી પહેરતો પણ તું આપીશ તો પહેરીશ એમ કહી જાળમાં ફસાવતો હતો. સોશિયલ મીડિયા પર જાણીતા કલાકારોના નામ તથા તસવીરનો ફાયદો ઉઠાવી કેટલાક લોકો પૈસા કે યુવતીઓને ફસાવી રહ્યાં છે. ત્યારે યુવતીઓએ લાલચમાં આવી ન જવું જોઇએ.