Mysamachar.in:જામનગર
સામાન્ય રીતે પ્રત્યેક પરણિત સ્ત્રી મા બનવા ઝંખતી હોય છે. ઘણી મહિલાઓ તો ખોળાનો ખૂંદનાર પ્રાપ્ત કરવા ઘણી બધી બાધા આખડીઓ પણ રાખતી હોય છે. તેની સામે ઘણાં કિસ્સાઓમાં એવું પણ બનતું હોય છે કે – સંતાન જ જનેતાના દુઃખ અથવા મોતનું કારણ બનતાં હોય છે ! આવો એક કિસ્સો જામનગરમાં જીજી હોસ્પિટલમાં આજે જાહેર થયો છે ! માતાનું મોત નિપજ્યું છે, તેનો દીકરો જ મોતમાં નિમિત્ત બન્યો !
જીજી હોસ્પિટલમાં આજે સવારે લક્ષ્મીબેન વાડોલિયા નામનાં 70 વર્ષનાં એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. આ વૃદ્ધાને માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચતા તેઓને અત્રે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. આ વૃદ્ધાને તેનાં જ પુત્રએ લાકડાંના ધોકા વડે માર માર્યો હતો એવું પોલીસવર્તુળો જણાવે છે.
આ વૃધ્ધા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામથકે સ્ટેશન પ્લોટમાં વસવાટ કરતાં હતાં. તેનાં પુત્રએ પોતાની માતાને માર માર્યો હતો. રાજુ નામનો આ શખ્સ માનસિક રીતે સ્વસ્થ ન હોવાનું પોલીસ કહે છે. માતા-પુત્ર વચ્ચે અવારનવાર આ પ્રકારના ઝઘડાઓ થતાં ! આખરે, આ ઝઘડો અંતિમ ઝઘડો પૂરવાર થયો ! દીકરાનાં હાથે સગી જનેતાનું મોત થયું ! પોલીસે તથા હોસ્પિટલ સતાવાળાઓએ આ મૃતક વૃદ્ધાની પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની વિધિઓ હાથ ધરી છે.