mysamachar.in-જામનગર
સરકારના માર્ગ અને મકાન વિભાગને રોડ,બ્રિજ વગેરેના કામ માટે પૂરેપુરું ફંડ ફાળવવામાં આવે છે ખાસ કરીને ડામર રોડના કામ માટે પણ સરકાર દ્વારા કાળજીપૂર્વક રકમ ફાળવવા છતાં ડામર રોડ શા માટે તૂટી જાય છે ક્યાં ગોબાચારી આચરવામાં આવે છે તેવા સવાલના જવાબ સુધી માય સમાચારએ પહોચવાનો પ્રયાસ કર્યો ત્યારે માર્ગ મકાન વિભાગના એક ઉચ્ચ નિવૃત અધિકારી એ પોતાનું નામ જાહેર ના કરવાની શરતે કેટલીક ચોકાવનારી માહિતી આપી છે જે સરકારના રોડ બનાવવાના હેતુને કઈ રીતે ધૂળ-ધાણી કરે છે તે સમજવા માટે પૂરતી છે,
રોડના કામમાં ખાસ કરીને ડામરનું કામ કરતાં સમયે હાજર બાબુઓ એ ચોક્કસ પ્રકારની તકેદારી રાખીને ડામરનું ટેમ્પરેચર ૧૧૫થી ૧૨૦ વચ્ચે હોય તે ડામરને કપચી સાથે મિક્સ કરીને કામ કરવાથી ડામરનું કામ મજબૂત થાય છે તે સિવાય ઓછો ડામર વાપરવો,ડામરનું ટેમ્પરેચર ૯૦નું હોય તો ડામર રોડ ઊખડી જતો હોય છે એટલે અમુક કટકીબાજ ઇજનેરો અને કોન્ટ્રાકટરો કથિત મિલીભગત આચરીને સરકારને ચૂનો ચોપડે છે વધુમાં ડામરની બજાર કિંમત ઊંચી હોવાથી સરકાર પૂરતું ફંડ ફાળવે છે પરંતુ રોડના કામમાં ડામર ઓછો અથવા નીચી ગુણવત્તાનો અમુક રોડના કામોમાં વાપરી અને લોટ-પાણી અને લાકડા કરી નાખવામાં આવે છે જેને કારણે ટૂંકાગાળામાં જ રોડ ભ્રષ્ટાચારના પુરાવાઓ જાતેજ આપવા લાગે છે,
વધુમાં ચોક્કસ પ્રકારના રોડના કામો વખતે જે-તે કોન્ટ્રાક્ટરે પોતાનો હોટમિક્સ પ્લાન,પેવર પ્લાન સહિતની મશીનરીઓ હોવી ફરજીયાત છે,અને જે જગ્યાએ રોડનું કામ ચાલુ હોય તેનાથી ૪૦ થી ૫૦ કિમીના અંતરે જ આ પ્લાન હોવો જોઈએ તેવું જાણકારો માને છે,જેથી તાકીદે વાહન મારફતે નિયત ટેમ્પરેચર સાથે ડામરનું કામ થઈ શકે,ઉપરાંત પણ કેટલાય નીતિનિયમો છે જેનું પાલન કરવાનું હોય છે પણ થતું નથી.
પરંતુ સરકારના મોટાભાગના રોડરસ્તા અને બ્રિજના કામોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને રોડના કામ મેળવી ઠેકેદારો દ્વારા ઈજનેરોના સહયોગથી ગેરરીતિ આચરીને પ્રજાની આંખમાં ધૂળ નાખતા હોવાનું જાણવા મળે છે.ત્યારે જામનગર જીલ્લાપંચાયત અને માર્ગમકાન વિભાગ હેઠળ થયેલ કામો પણ તપાસ માંગી લેતા છે.