Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત વિધાનસભાનું હાલ બજેટસત્ર દરમિયાન વિપક્ષી ધારાસભ્યો દ્વારા રાજયની પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓની મંજૂરી અંગે સરકારને સવાલો પૂછ્યા હતા. રાજ્યની શાળાઓની સ્થિતિ શિક્ષણમંત્રી દ્વારા ગૃહ સમક્ષ થઈ રજૂ છે. જેમાં જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી આપી નથી. 2 વર્ષમાં રાજ્યમાં 446 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 20 સરકારી શાળાઓને મંજૂરી મળી છે. સૌથી વધુ અમદાવાદમાં 1728, રાજકોટમાં 1035 ખાનગી શાળાઓને મંજૂરી મળી છે. રાજ્યની કેટલીક પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ નથી. રાજ્ય સરકારના ગામેગામ, ઘરે ઘર વીજળીના દાવા વચ્ચે ખુદ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે.
રાજ્યની 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. સરકારને વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ખુલાસો કર્યો કે મોરબીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 7, ગીર સોમનાથમાં 2, સુરેન્દ્રનગરની 2 પ્રાથમિક શાળાઓમાં વીજળી નથી. રાજ્યની 5,353 સરકારી જ્યારે 458 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની પણ સુવિધા નથી. રાજ્યમાં કુલ 1326 સરકારી, 5181 ગ્રાન્ટેડ ,5138 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 187 સરકારી અને 147 ખાનગી શાળાઓને મંજૂરી અપવામાં આવી છે. માત્ર બે જ ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી અપાઇ છે. ડાંગ જિલ્લામાં એક અને મોરબી જિલ્લામાં એક ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાઓની ઘટ છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા જવાબ પર વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. સૌથી વધુ ઘટ બનાસકાંઠા જિલ્લામાં 1555 ઓરડા તો દાહોદમાં 1477 જ્યારે પંચમહાલમાં 1194 ઓરડાઓ ની ઘટ છે. રાજ્યના શિક્ષણ વિભાગે 2019-20માં માત્ર 994 ઓરડાઓ બનાવ્યા છે.