Mysamachar.in-અમદાવાદ:
સામાન્ય રીતે લોકમાન્યતા એવી જોવા મળતી હોય છે કે, રિઅલ એસ્ટેટના મોટાં પ્રોજેક્ટસ આગળ વધવામાં તેજ ગતિએ ચાલતાં હોય છે. લોકો એવું પણ ધારી લેતાં હોય છે કે, સરકારી તંત્રોમાં આ પ્રકારના પ્રોજેક્ટસના કામો ખૂબ ઝડપથી આગળ વધતાં હોય છે. પરંતુ RERAમાં આથી ઉલટું જોવા મળે છે ! હાલમાં રાજયમાં RERA સંબંધિત 200 જેટલાં પ્રોજેક્ટસ એવા છે જેમાં સારો એવો વિલંબ થઈ રહ્યો છે. આ ક્ષેત્રમાં છેલ્લા કેટલાંક સમયથી વાઈબ્રન્સી જોવા મળતી નથી. સંખ્યાબંધ પ્રોજેક્ટસ હાલ અટવાયેલા છે. એક તરફ ડેવલપર એમ કહે છે: RERA નોંધણીમાં સમસ્યાઓ છે. બીજી તરફ ખુદ RERA કહે છે: ડેવલપરના કારણોસર વિલંબ થઈ રહ્યો છે.
RERA અધિકારીઓ કહે છે: રાજયના 200 જેટલાં મોટાં પ્રોજેક્ટસ હાલ વિલંબ અનુભવી રહ્યા છે. આ તમામ પ્રોજેક્ટસ સંબંધે RERA દ્વારા ડેવલપરને કવેરીઝ મોકલવામાં આવી છે. ડેવલપર આ કવેરીઝના જવાબો અને ખુલાસાઓ RERAને આપી રહ્યા નથી, તેથી રજિસ્ટ્રેશન વિલંબમાં છે. RERA અધિકારીઓ કહે છે: બિલ્ડરો અને ડેવલપરોને RERA દ્વારા પ્રોજેક્ટસ સંબંધિત લીગલ, ટેક્નિકલ અને નાણાંકીય કવેરીઝ મોકલવામાં આવેલી છે. જો કે બિલ્ડરો અને ડેવલપર આ કવેરીઝના જવાબો આપવાનું ટાળી રહ્યા છે.
તેઓ એમ કહે છે કે, કવેરીઝના જવાબો તૈયાર કરવા સંબંધિત કન્સલ્ટન્ટ સાથે બેઠકો થઈ શકી નથી. અને જયાં સુધી બેઠકો ન થાય, નિર્ણયો ન લેવાય ત્યાં સુધી કવેરીઝના જવાબો ન આપી શકાય. RERA કહે છે, આ કારણસર રેરા રજિસ્ટ્રેશનમાં અવરોધો જણાઈ રહ્યા છે. આ તમામ 200 મોટાં પ્રોજેક્ટસનું કુલ મૂલ્ય અબજો રૂપિયાનું હોવાનું સૂત્ર જણાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હમણાં સુધી ગુજરાત રેરામાં મહત્વના પદો ખાલી હતાં. હાલમાં ઉચ્ચ પદો પર નિયુક્તિઓ થઈ છે. જાણકારોના મતે, એક વખત નવા પદાધિકારીઓ સાથે બધી જ વ્યવસ્થાઓ ગોઠવાઈ જશે પછી રેરા રજિસ્ટ્રેશન સ્મૂથ રીતે ચાલવા માંડશે !