Mysamachar.in-જામનગર:
જામનગર શહેરનો કચરો કોન્ટ્રાક્ટર કંપનીને કાંચન એટલે કે સોનું (કરોડો રૂપિયા) કમાવી આપે છે. આ કોન્ટ્રાક્ટર કંપનીને કોર્પોરેશન સહિત બધી જ જગ્યાઓ પરથી નાણું મળી રહ્યું છે. આથી થોડા થોડા દિવસે આ કોન્ટ્રાક્ટર કંપની પોતે કામગીરીઓ કરી રહી છે એવો ‘પ્રચાર’ કરી રહી છે. આ કામગીરીઓ કોઈ પ્રકારની સેવાઓ નથી, કંપનીનો કારોબાર છે અને કંપની આ કામગીરીઓના બદલામાં કરોડો રૂપિયા કમાણી કરી રહી છે.
જામનગરમાં રાજકોટ રોડ પર ગુલાબનગરથી આગળના વિસ્તારમાં મહાનગરપાલિકાએ કચરાનો તોતિંગ જથ્થો વર્ષો સુધી એકત્ર કર્યો. ત્યારબાદ આ કચરાનું વર્ગીકરણ કરવા માટે એક કોન્ટ્રાક્ટર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકા આ કામ માટે કંપનીને રૂ. 6.37 કરોડ આપે એવું નક્કી થયું છે. આ કંપની કચરામાંથી પ્લાસ્ટીક જેવા કેટલાંક પદાર્થો અલગ કરી સિમેન્ટ કંપનીઓને વેચે છે અને કચરામાંથી ખાતર જેવા જે પદાર્થ મળે તે ખાતર કંપની ખેડૂતોને વેચી તેમાંથી પણ કમાણી મેળવે છે. ટૂંકમાં, કોન્ટ્રાક્ટર કંપનીને બધી બાજુથી મલાઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કામગીરીઓમાં પણ જેતે સમયે મોટો વિવાદ થયેલો. કામગીરીઓ પણ બંધ રહી હતી. આ મામલો ગાજયો પણ બહુ હતો. કોર્પોરેશનમાં પણ ઘણી ‘ગાજવીજ’ થયેલી. ત્યારબાદ ટેન્ડરની મદદથી બધું ‘ગોઠવાઈ’ જતાં છેલ્લા ચારપાંચ મહિનાથી બધું સ્મૂથ રીતે ચાલી રહ્યું છે.
આજે આ વિષે Mysamachar.in દ્વારા કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગના નાયબ ઈજનેર કેતન કટેશિયા સાથે વાતચીત કરવામાં આવેલી, એમના કહેવા અનુસાર આગામી મે મહિના સુધીમાં આ બધો જ કચરો અહીં સાઈટ પરથી દૂર થઈ જશે. કચરાના આ વર્ગીકરણ દરમિયાન કાંકરી, પથ્થર કે કેરણ જેવી ચીજો મળી આવે છે તે બધી ચીજો શહેરની હદમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ભરતી તરીકે ઠાલવવામાં આવે છે.(ફાઈલ તસ્વીર)