Mysamachar.in:જામનગર:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ જામનગર સહિત સમગ્ર રાજયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર પ્રિવેન્શન સિસ્ટમ સંબંધે ધડાધડ ચેકિંગ ચાલી રહ્યા છે, ઘણી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવવામાં આવી રહી છે, આમ છતાં જામનગરમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં આજની તારીખે હંગામી બાંધકામ સાઈટ એવા ડોમ સ્ટ્રક્ચર જોવા મળે છે, જે દૂર કરવાની કામગીરીઓ હજુ સુધી શા માટે કરવામાં આવી નથી ? આ પ્રશ્ન સપાટી પર આવ્યો છે.

જામનગર NSUI તથા શહેર યુવક કોંગ્રેસ દ્વારા જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારીને એક આવેદન આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, જામનગર શહેરમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં ડોમ સ્ટ્રક્ચર છે. રાજકોટમાં આવા ડોમ સ્ટ્રક્ચરમાં અગ્નિકાંડ સર્જાયો છે. જામનગરમાં આવા ડોમ સ્ટ્રક્ચર તાકીદે હટાવવા જોઈએ. આ ઉપરાંત દરેક શૈક્ષણિક સંસ્થાઓ પોતાના નોટિસ બોર્ડ પર શાળાની ફાયર NOC અંગેની વિગતો વાલીઓ અને વિદ્યાર્થીઓની જાણ ખાતર મૂકે તે પણ જરૂરી છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓને લેખિત સૂચનાઓ આપવી જોઈએ એવી માંગ NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા થઈ છે.

જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, ગુજરાત NSUI મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, ગુજરાત યુવક કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા તથા શહેર NSUI પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ વગેરેએ આ આવેદનમાં એમ પણ જણાવ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓના છાત્રો તથા છાત્રાઓને સંસ્થામાં લેવા-મૂકવા આવતાં ઓટો રિક્ષા તથા વેન જેવા વાહનોમાં ગેસકીટ, ગેસ બાટલા, ફીટનેસ તથા ફાયર પ્રિવેન્શન સિસ્ટમ જેવી બાબતોની ચકાસણીઓ માટે પણ કચેરી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે. કારણ કે, આવા વાહનોમાં પણ ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે.
