Mysamachar.in-જામનગર:
ગુજરાતના મહાનગરોમાં અકસ્માતથી મૃત્યુ થવાના બનાવો અટકાવવા માટે હાઈકોર્ટ દ્વારા કડક આદેશો આપીને જામનગર સહિતની જિલ્લા ઓથોરિટીને NGOનો સહકાર લેવા સુચનાઑ આપવામાં આવી છે, જેના પગલે વર્ષોથી NGO ચલાવીને સમાજમાં પ્રેરણારૂપ સેવાનું કાર્ય કરતા વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીને મહાનગરપાલિકા દ્વારા આ મામલે આમંત્રણ આપ્યું હતું અને શહેરમાં અકસ્માત સર્જાતા સ્થળોની મુલાકાત લઈને નટુભાઇએ અકસ્માત નિવારવા માટે જરૂરી સૂચન કરીને પ્રેરણાદાયક કામગીરી બજાવી હોવાનું સામે આવ્યું છે,
જે અન્વયે જામનગર મહાનગરપાલિકાના એન્જીનીયરો સાથે બેઠક યોજીને ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને અધિકારીઓએ શહેરમાં અકસ્માત સર્જાતા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં સ્મશાન પાસે સ્કૂલ ચોકમાં પોલીસચોકી દૂર કરી હતી અને તે જગ્યાએ રાઉન્ડ શેઇપમા ટ્રાફિક પોઇન્ટ બનાવવા જણાવ્યુ હતું,
તેમજ ગુરુદ્વારા થી અંબર ચોકડી પાસે પાણીની લાઇનના વાલ્વના ઢાંકણા ઉચા-નીચા હોય જેનાથી અકસ્માત થાય છે અને આ સ્થળે વચ્ચેની જગ્યા રોકતી ડિઝાઇન કાઢી ટ્રાફિકના હિતમાં ચોક મોટો અને પહોળો બનાવીને ફૂટપાથ ખૂલી કરાવવી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા સૂચન કરેલું હતું તેમજ પંડિત નેહરુ માર્ગ પર પટેલ કોલોની શેરી નં.૫ માંથી રોડ પર આવતા ડિવાઈડર લાઇન પાસે ખાડા છે તે દુર કરવા તેમજ શહેરમાં ઘણી જગ્યાએ પાણીના વાલ્વ રોડથી ઘણા ઊંચા છે,તેનું લેવલ કરી પેટી મૂકી દેવી જેથી ટાયર ટ્યુબ ફાટીને થતા અકસ્માતોને અટકાવી શકાય તેમ છે તેવા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા,
આમ હાઇકોર્ટના આદેશ બાદ જામનગર મહાનગરપાલિકા હરકતમાં આવીને NGOનો સહકાર લઈને શહેરમાં અકસ્માતથી થતા મૃત્યુ નિવારવા માટે કામગીરી હાથ ધરી છે,ત્યારે નટુભાઈએ પણ સહયોગ આપીને સામાન્યથી માંડીને નાનામાં નાની બાબતો તરફ ઝીણવટભરી રીતે ધ્યાન દોરીને 13 થી વધુ સૂચનો કરીને હાઈકોર્ટને જાણ કરવામાં આવી છે.આ કામગીરીના પગલે શહેરમાં અકસ્માતથી મૃત્યુનું પ્રમાણ ઘટવાની આશા બંધાઈ છે.