Mysamachar.in-ગાંધીનગર:
મહાનગરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કોર્પોરેશનની જમીનો પર અને રાજ્ય સરકારની લાખો એકર જમીનો પર ‘દબાણ’ કોઈના પણ માટે નવી વાત નથી. હવે દબાણોનો આ મામલો ગંભીર બની ગયો છે. ખુદ CMએ આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપવી પડી છે. આગામી સમયમાં સ્થાનિક સંબંધિત અધિકારીઓમાં આ બાબતે દોડધામ શરૂ થઈ શકે છે.
રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં સરકારી જમીનો પરના દબાણો મામલે ચર્ચાઓ થઈ. મુખ્યમંત્રીએ દબાણો અંગે નારાજગી વ્યક્ત કરી અને ડિમોલીશન સમયે ગરીબોને જે તકલીફો પડી રહી છે, એ બાબતે દુ:ખ પણ વ્યક્ત કર્યું.
આ બેઠકમાં ભૂપેન્દ્રભાઈએ ઉચ્ચ અધિકારીઓને કડક અને સ્પષ્ટ સૂચનાઓ આપી કે, રાજ્યમાં કયાંય પણ દબાણ જોવા મળે, તે સંબંધે સ્થાનિક સંબંધિત અધિકારીઓની એટલે કે ફીલ્ડ લેવલ અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરો. કયાંય દબાણ થવું જ ન જોઈએ કારણ કે, આ દબાણો હટાવતી વખતે ગરીબોએ ઘણું બધું ગુમાવવું પડે છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યમાં વનવિભાગ આ બાબતે કડક રીતે કામ કરે છે, પરંતુ મહેસૂલ વિભાગ સહિતના વિભાગો પોતાના તાબામાં દબાણો અટકાવી શક્યા નથી. આ તમામ અધિકારીઓની જવાબદારીઓ નક્કી થવી જોઈએ.
CMએ અધિકારીઓને એમ પણ કહ્યું કે, દબાણકારોની નજર સરકારી જમીનો પર હોય છે. આથી ઉચ્ચ અધિકારીઓએ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી દબાણો થતાં અટકાવવા જોઈએ અને વરિષ્ઠ અધિકારીઓએ આ બાબતે ગંભીર રીતે મોનિટરીંગ ગોઠવવું જોઈએ.