Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ડેન્ગ્યુનો રોગચાળો કહેર બનીને ત્રાટક્યો છે, આમ છતાં જામનગર જિલ્લાનું આરોગ્યતંત્ર જાણે કે કશું જ ન બની રહ્યું હોય, એવી બેદરકારીઓ દાખવી રહ્યું છે. જિલ્લામાં આ રોગચાળાની રેકર્ડ પર સ્થિતિઓ શું છે ?! તે અંગે આ તંત્ર કાયમ મીંઢાપણું દેખાડી રહ્યું હોય, આ આખું તંત્ર અને જિલ્લા પંચાયત શંકાઓના દાયરામાં જોવા મળી રહ્યું છે. જીલ્લા પંચાયતના શાસકો જે રીતે સામાન્યસભામાં રોડ રસ્તાના એક ઠેકેદારનું કામ ફરી શરુ થાય તેની ચિંતા લોકોના હિતને ધ્યાને રાખીને કરે છે તે રીતે પોતાના વિસ્તારમાં રહેતા લોકો માટે આરોગ્ય વિષયક બાબતોમાં પણ આરોગ્યતંત્રને દોડતું કરવાની જરૂર હોય તેમ લાગે છે.
સામાન્ય રીતે દર વર્ષે ચોમાસા બાદ ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓ દરમિયાન ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળતો હોય છે. આ વર્ષે પણ 2022 ના રોગચાળા જેવી અતિશય ચિંતાપ્રેરક સ્થિતિઓ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ તથા ક્લિનિક દર્દીઓથી ઉભરાઈ રહી છે, આમ છતાં જિલ્લા પંચાયતનું આરોગ્યતંત્ર ડેન્ગ્યુ રોગચાળાનું સતત અને સત્તાવાર અપડેટ લોકો સમક્ષ જાણકારીઓ અને જાગૃતિ માટે રજૂ કરવાને બદલે, સત્તાવાર આંકડા છૂપાવવાની ‘ગુનાહિત’ ચેષ્ટાઓ કરી રહ્યું હોય, આ તંત્ર શંકાના દાયરામાં આવી ગયું છે.
જિલ્લા પંચાયતનું આરોગ્યતંત્ર વર્ષભર અખબારી યાદીઓ દ્વારા લોકોને સૂફીયાણી સલાહો આપ્યે રાખે છે પરંતુ ડેન્ગ્યુ જેવા ભયંકર રોગચાળા વખતે મૂંગુ રહેતું હોય, તંત્રની ભૂમિકાઓ શંકાસ્પદ ભાસી રહી છે. જિલ્લા પંચાયતના આરોગ્યતંત્રના એપિડેમિક મેડિકલ ઓફિસર રાઠોડની ભૂમિકાઓ કોઈ પણ રોગચાળા સંદર્ભે અતિશય મહત્વપૂર્ણ હોય છે પરંતુ આ અધિકારી કોઈ કારણસર જામનગર જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાની સ્થિતિઓ શું છે, તે અંગે ક્યારેય સત્તાવાર જાહેરાતો કરતાં નથી, એટલું જ નહીં, આ આંકડાઓ જાહેર કરવામાં વિલંબ કરવાની અથવા આંકડાઓ છૂપાવવાની બાલિશ હરકતો કરી રહ્યા છે. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને પણ, આ એપિડેમિક મેડિકલ ઓફિસર ગાંઠતા ન હોય, એવી સ્થિતિઓ જોવા મળી રહી છે.