Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત રાજ્યભરમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર જાહેર કરવાની સરકારી, કાયદેસરની પ્રક્રિયા અથવા કાર્યવાહી છેલ્લાં બાવીસ વર્ષથી ચાલે છે ! દર દસ વર્ષે સરકાર ઈમ્પેકટ ફી કાયદો નિયત સમય પૂરતો અમલી બનાવે છે, જે સમયમર્યાદામાં આ પ્રકારના લોકો પોતાના ગેરકાયદે બાંધકામો માટે અભયદાન પ્રાપ્ત કરી લ્યે છે ! સરકારી પ્રમાણપત્ર મેળવી લ્યે છે ! જય હો !!
આજે મંગળવારે, રાજયની નવી વિધાનસભામાં, તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્યો સરકારનાં આ ઈમ્પેકટ ફી વિધેયકને ( લોકોનાં ભલા માટે) બહાલી આપશે. હાલમાં જામનગર સહિત રાજ્યભરમાં આ માટે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ જ છે. ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. સંબંધિતો સૌ આ કાયદાનો લાભ મેળવી શક્શે અને નિયમ મુજબ અમુક ચોક્કસ પ્રકારના ગેરકાયદે બાંધકામો નિયમિત કરાવી શકશે, ઈમ્પેકટ ફી ચૂકવવાની રહેશે. સરકારની તિજોરીમાં કરોડો રૂપિયા ઠલવાશે. ગેરકાયદે બાંધકામોને જિવતદાન મળશે ( અને આ પ્રકારની પ્રવૃતિને ઉત્તેજન પણ મળશે !) .
જે બાંધકામો સંબંધિત બાંધકામનો ઉપયોગ કરવાની પરવાનગી ન ધરાવતાં હોય અથવા અગાઉ જે બાંધકામોને તોડી પાડવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હોય, તેવાં પ્રકારના બાંધકામ પણ આ વિધેયક હેઠળ નિયમિત કરાવી શકાશે. રાજયની વિધાનસભાનાં બેદિવસીય શિયાળુ સત્રનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. આજે આ ‘કામ’ વિધાનસભામાં પૂર્ણ કરી લેવામાં આવશે. વિધેયક પસાર કરાવી લેવામાં આવશે. આ માટેનાં નિયમો અને શરતો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ( જામનગરમાં મહાનગરપાલિકા) સ્થાનિક સ્તરે જાહેર કરશે. આજે વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન પણ, પરંપરા મુજબ રાખવામાં આવ્યું છે. તેઓ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આવકારશે અને અભિનંદન પાઠવશે. પછી, આ સત્રની પૂર્ણાહુતિ થશે.
-સરકાર શું કહે છે ?!
ગુજરાત સરકાર આ ઈમ્પેકટ ફી કાયદાની આવશ્યકતા સમજાવતાં કહે છે: રાજ્યમાં ગેરકાયદે બાંધકામોની સંખ્યા લાખોમાં છે ! ભૂતકાળમાં ઘણાં બાંધકામધારકો આ જોગવાઇનો લાભ મેળવી શક્યા ન હતાં. 2001 તથા 2011માં ઈમ્પેકટ ફી કાયદો થોડાં મહિનાઓ માટે દાખલ કરવામાં આવ્યો હતો. ફરીથી ત્રીજી વખત આ સુવિધા ઉપલબ્ધ બની છે. સરકાર કહે છે: આવાં લાખો ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવે તો, લોકો રહેઠાણ-આજિવીકા ગુમાવે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચે તેથી લોકોનાં ભલા માટે આ કાયદો ત્રીજી વખત લાવવામાં આવ્યો છે. વધુ વિગતો માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.