Mysamachar.in:જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે જનરલ બોર્ડની બેઠક માટેનો નવો સભાખંડ ‘અટલ બિહારી વાજપેયી ભવન’ બનાવ્યો છે. જેમાં જનરલ બોર્ડની પ્રથમ બેઠકમાં મેયર અને મીડિયાકર્મીઓ વચ્ચેની ટક્કર સાથે, આ સભાગૃહનું આજે શુક્રવારે ઉદઘાટન થયું. જો કે, આખરે મેયર સમજી જતા મામલો થાળે પડી ગયો અને બેઠક નિર્ધારીત સમય કરતાં વિલંબથી ચાલુ થઈ શકી હતી.
આ બબાલની વિગતો એવી છે કે, જનરલ બોર્ડ સભાખંડ તાજેતરમાં નવો બનાવવામાં આવ્યો છે. ગત્ સાતમી જૂને મુખ્યમંત્રીએ આ સભાખંડનું ઈ-લોકાર્પણ કર્યું. ત્યારબાદ આજે 20મી જૂને આ નવનિર્મિત ઈમારતમાં સવારે 11:30 કલાકે મહાનગરપાલિકાની દર બે મહિને યોજાતી સામાન્ય સભાની કાર્યવાહીઓ શરૂ કરવાની હતી. પરંતુ બોર્ડના અધ્યક્ષ ખુદ મેયર દ્વારા આજે પ્રથમ જ દિવસે એક વિવાદ ઉભો કરવામાં આવ્યો, જેને કારણે બોર્ડની કાર્યવાહીઓ નિર્ધારીત સમય કરતાં 35 મિનિટ વિલંબથી એટલે કે છેક 12:05 કલાકે શરૂ થઈ શકી હતી. મેયરે આ વિવાદમાં અંતે રસ્તો કાઢ્યો હતો.
-આજે વિવાદ શરૂ શા માટે થયો ?..
આ નવનિર્મિત સભાખંડમાં ઉપરના ભાગે મહાનગરપાલિકાએ મીડિયાકર્મીઓ માટે એક મીડિયા ગેલેરી બનાવી છે. મેયરનો આગ્રહ એવો હતો કે, પત્રકારો અને કેમેરામેન બધાં જ મીડિયા ગેલેરીમાં બેસે. જો કે મેયરનો આ આગ્રહ યોગ્ય નહોતો. કારણ કે, મીડિયાકર્મીઓની દલીલ એવી હતી કે, પત્રકારો મીડિયા ગેલેરીમાં બેસે એ બરાબર છે પરંતુ પ્રેસ કેમેરામેન તથા ફોટોગ્રાફરોએ ચોક્કસ એંગલથી સભાની કાર્યવાહીઓનું રેકોર્ડિંગ કરવા, તસવીરો લેવા ગૃહની વચ્ચે ચોક્કસ જગ્યાએ ઉભવું જ પડે. એમને ગેલેરીમાં બેસવાનું કહી શકાય નહીં. ગેલેરીમાંથી આ કામગીરીઓ શક્ય ન બને. મીડિયાકર્મીઓની આ દલીલ બાદ એક તબક્કે મેયરે સભાની કાર્યવાહીઓના એકાદ મીનીટના રેકોર્ડિંગની જ છૂટ આપતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું, જો કે આખરે પત્રકારો ગેલેરીમાં બેસે અને ફોટોગ્રાફર તથા કેમેરામેન સભાખંડની એક બાજુએ ઉભી પોતાની કામગીરીઓ કરી શકશે એવી વ્યવસ્થા મેયરે ગોઠવાતા બબાલ પૂર્ણ થઈ અને આખરે બોર્ડની કાર્યવાહીઓ શરૂ થઈ.
-જિદે ચડેલા મેયરે સમજવું જોઈએ કે…
આપણાં દેશમાં સંસદની કાર્યવાહીઓનું જિવંત પ્રસારણ થાય છે, વિધાનસભાની કાર્યવાહીઓનું પ્રેસ રેકોર્ડિંગ થાય છે, રાજ્યની વડી અદાલત ઓનલાઈન લાઈવ ચાલી રહી છે. આ બધી બાબતો રેકર્ડ પર હોવા છતાં આજે મેયર વિનોદ ખીમસૂર્યાએ એક તબક્કે ગૃહમાં મીડિયાકર્મીઓ પર વિડીયો રેકોર્ડીંગના પ્રતિબંધની વાત ઉચ્ચારતા આ બબાલ ઉગ્ર બનેલ. જો કે આખરે મેયરને હકીકતનો અહેસાસ થતાં તેમણે પોતાની જિદ પડતી મૂકી હતી.અને અંતે મામલો પૂર્ણ થયો હતો.
			
                                
                                
                                



							
                