Mysamachar.in-અમદાવાદ:
ક્યારેક કોઈને ગુન્હાખોરીના રસ્તે ના જવું હોય તો પણ મજબુરીવશ ગુન્હાખોરીના રવાડે ચઢી જતા હોય છે, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવોની ઘટનાઓમાં વધારાના પગલે તાજેતરમાં જ પૂર્વ વિસ્તાર એવા ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરીના કેસમાં ખોખરા પોલીસે ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની ગિરફતમાં આવેલ બંને આરોપીઓના નામ સુનિલ ઉર્ફે ડોંગરો અને આઝાદ ચુનારા છે. ખોખરા પોલીસે ચોરીનાં ગુનામાં બન્ને શખ્સોની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે છેલ્લા કેટલાક સમયથી છૂટક મજૂરી નહીં મળતા આખરે તેમણે ગુનાનો રસ્તો અપનાવ્યો હતો.
પોતાની મજૂરી કરવાના સાધનો વડે જ ખોખરા વિસ્તારમાં ચોરી કરવાનું શરૂ કરી દીધું. હાલ ચોરીનાં બે ગુનાઓનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલો તમામ મુદ્દમાલ રીકવર કર્યો છે.પકડાયેલ આરોપીઓએ પોલીસ સમક્ષ પોતાની વેદના પણ ઠાલવી કે છેલ્લા કેટલાય સમયથી છૂટક મજૂરી મળતી નથી અને જીવન ગુજારો કરવા બંને શખસોએ ચોરીના ગુનાને અંજામ આપવાનો વિચાર કર્યો અને બાદમાં મજૂરી કરવાના ઓજારો વડે જ ખોખરા વિસ્તારમાં હાથ સાફ કરવાની શરૂઆત કરી દીધી.