Mysamachar.in-જામનગર:
જામનગરની જી.જી.હોસ્પિટલમાં તબીબનો અભ્યાસ કરતાં એક રેસીડેન્ટ તબીબે જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પોતાના નામનુ કોઈએ બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી અને તેને પરેશાન કરવામાં આવી રહ્યા અંગેની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી હતી,જે બાદ પોલીસ દ્વારા આ મામલે એક તબીબ સાથે આવી ઘટના પાછળ કોણ જવાબદાર હોય શકે તે અંગે તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો આ મામલામાં થવા પામ્યો છે,
જે રીતે પોલીસ સુત્રો પાસેથી માહિતી મળી રહી છે થોડા સમય પૂર્વે જામનગર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો કેવિન રાજકોટમા લગ્ન માટે છોકરી જોવા ગયો હતો,અને તેની મુલાકાત રુચિ કોરડીયા અને તેના પરિવાર સાથે થઇ હતી પણ કોઈપણ કારણોસર કેવિન ને અહી સગાઇ સબંધ ના બાંધવો હોય અને તેને તેમજ તેના પરિવારે કોરડીયા પરિવાર સાથે સબંધ બાંધવા ઇન્કાર કર્યો હતો.
જે બાદ રુચિ પોતે સ્વરૂપવાન હોવા છતાં જામનગર જી.જી.હોસ્પિટલમાં મૂળ રાજકોટના યુવકે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દેતા બદલો લેવા માટે રાજકોટથી યુવતીએ બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને સોશ્યલ મીડિયાના માધ્યમથી બદનામ અને પરેશાન કરવા માટે આવું કર્યું હોવાનો ખુલાસો થયો છે,
આ કિસ્સાની બહાર આવેલી વિગત એવી છે કે જામનગર જી.જી.હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા કેવિન વૈષ્ણવીના નામે અલગ-અલગ 2 બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમાં તબીબના અન્ય સાથે ફોટા મોર્ફ કરીને તેમજ સગા,સંબંધી,મિત્રોને મેસેજ વાયરલ કરીને છેલ્લા ૪ માસથી ડો.કેવિન વૈષ્ણવીને બદનામ તથા પરેશાન કરવામાં આવતા જામનગર સીટી પોલીસ મથક ખાતે આઇટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી,
આ કિસ્સામાં જામનગર આઈટી સેલ દ્વારા તપાસ હાથ ધરીને રાજકોટની રુચિ વિનોદભાઈ કોરડીયાને ઝડપી લઈને જામનગર સીટી પોલીસ મથક ખાતે લઈ આવવામાં આવી હતી.ત્યાં રુચિ કોરડીયા જણાવ્યું હતું કે ૪ માસ પહેલા કેવિન મને લગ્ન માટે જોવા આવ્યો હતો,મે ફાર્મસીનો અભ્યાસ કરેલ હોય અને ખૂબસૂરત હોવા છતાં કેવિને લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો.આથી તેણીને મનોમન લાગી આવ્યું હતું અને બદલો લેવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈને બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને પરેશાન કરવા માટે આવું કૃત્ય કર્યુ હોવાની કબૂલાત આપી હતી,
આમ સોશ્યલ મીડિયાના માધ્યમથી રાજકોટની યુવતી જામનગરના મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબને પરેશાન કરવાનો કીમિયો અજમાવવા જતા કાનૂની ગૂંચવણમાં ફસાયાનો આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.