Mysamachar.in:જામનગર
આગામી દસમી ઓક્ટોબરે વડાપ્રધાન જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ દ્વારા કલેકટરને પત્ર પાઠવી જામનગર જિલ્લાના વિવિધ પડતર પ્રશ્નો અંગે ધ્યાન દોર્યું છે અને જણાવ્યું છે કે, તેઓ પ્રતિનિધિમંડળ સાથે આ મુદ્દાઓ અંગે વડાપ્રધાનને આવેદનપત્ર આપવા ઇચ્છે છે તેથી વડાપ્રધાન સમક્ષ રજૂઆત માટે તેઓને સમય ફાળવવામાં આવે. જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડે આ પત્રમાં જણાવ્યું છે કે, જિલ્લામાં ઘણાં વર્ષોથી ઘણી યોજનાકીય બાબતો પૂર્ણ થઈ નથી. દાખલા તરીકે, જોડીયા નજીક ખારાં પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો સરકારનો રૂ. 800 કરોડનો પ્રોજેકટ રદ્ કયા કારણોસર કરવામાં આવ્યો ?!
ભાદરા પાટિયાથી વાયા જોડીયા કોસ્ટલ હાઈવે જાંબુડા સુધી બનાવવાનો હતો, તે હાઈવે વાંકીયા ગામ પાસે જોડી સચાણા અને જોડિયાને વિકાસથી વંચિત શા માટે રાખવામાં આવ્યા ?!મોટી ભલસાણ ખાતે આરોગ્ય કેન્દ્ર સ્થળાંતર મંજૂર થયા હોવા છતાં આ ગ્રામ્ય વિસ્તારોને આરોગ્ય સેવાઓથી વંચિત શા માટે રાખવામાં આવ્યા છે ?! ઉંડ-1 ડેમ સિંચાઇ વિભાગ દ્વારા હડીયાણા તથા મજોઠ સુધીનાં ગામોનાં ખેડૂતોને સિંચાઈ નાં પાણીથી વંચિત શા માટે રાખવામાં આવ્યા છે ?! ખેડૂતોનાં પાકોને બચાવવા તથા છેવાડાનાં વાડીખેતરો સુધી સિંચાઇ નું પાણી પહોંચાડવાની જવાબદારીમાંથી સરકાર શા માટે છટકી રહી છે ?! એ પ્રશ્ન પણ વશરામભાઇ રાઠોડ દ્વારા આ પત્રમાં પૂછવામાં આવ્યો છે.