Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના ઘન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ શહેરના ગાંધીનગર વિસ્તાર નજીક આવેલો છે, જે ઘણાં દિવસોથી બંધ હોવા છતાં આ દિશામાં કોઈ જ નવું ડેવલપમેન્ટ નથી અને આ પ્લાન્ટ બંધ હોવાથી હાલ મહાનગરપાલિકાએ તમામ કચરો છેક ગુલાબનગર નજીકની સાઈટ પર ઠાલવવો પડે છે. ગાંધીનગરના બંધ પ્લાન્ટને નોટિસ આપવામાં આવી છે પણ આ કંપની જામનગર કોર્પોરેશનને ગણકારતી નથી ! આ કંપનીની છૂપી તાકાતનું અસલી રહસ્ય શું છે ?! એ અંગે પણ લોકો જાતજાતના તર્ક લડાવી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ વિષય સંબંધે જણાવ્યું છે કે, આશરે દસેક દિવસ અગાઉ કંપનીને પ્લાન્ટ બંધ હોવા અંગે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે અને આ પ્લાન્ટ શા માટે બંધ છે અને કેટલાં સમય સુધી બંધ રહેશે અને આ પ્લાન્ટ તત્કાલ ચાલુ કરવો જોઈએ વગેરે બાબતોના લેખિત જવાબો મંગાવવામાં આવ્યા છે પરંતુ આ કંપનીએ આ નોટિસનો જવાબ હજુ સુધી કોર્પોરેશનને આપ્યો નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ થતાં અગાઉ ઘણાં સમયથી ડચકાં ખાતો હતો, એવી જાણકારોમાં ચર્ચા છે. આ ઉપરાંત કાગળ પર આ કંપનીએ નાણાંકીય બાબતો અંગે ચોક્કસ પ્રકારનું ચિતરામણ કર્યું હોવાની પણ ચર્ચાઓ છે. અને એ પણ ઉલ્લેખનિય છે કે, આ કંપની સાથે જામનગર મહાનગરપાલિકાએ લાંબા સમયગાળાના કરારો કર્યા છે. એટલે એક રીતે જોઈએ તો આ પ્લાન્ટ કોર્પોરેશન માટે ‘ગળાની ફાંસ’ બની ચૂક્યો હોવાની સ્થિતિઓ દેખાઈ રહી છે. બીજી તરફ જામનગરમાં ઘન કચરાના એકત્રીકરણ માટેના નવા કોન્ટ્રાક્ટની ગતિવિધિઓ પણ ચાલુ છે.
હાલમાં આ પ્લાન્ટ બંધ હોવાથી મહાનગરપાલિકાએ શહેરનો તમામ ઘન કચરો રાજકોટ રોડ પરની ગુલાબનગર નજીકની ડમ્પિંગ સાઈટ પર ઠાલવવો પડી રહ્યો છે. આ ઘન કચરો આગામી ચોમાસામાં પ્રવાહી બની જશે ત્યારે, શું સ્થિતિઓ સર્જાશે- એ પણ નવો સવાલ છે.(file image)
