Mysamachar.in-સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી દોઢ વર્ષ પહેલાં જે અપહ્યુત સ્કૂલની વિધાર્થીનીને અને અત્યાર સુધીમાં ગુજરાતની નવ જેટલી યુવતી-કિશોરીઓને ભગાડી જનાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને આખરે અઢી વર્ષે દિલ્હી ક્રાઈમ બ્રાંચને મળેલી માહિતીના આધારે હિમાચલ પ્રદેશમાંથી ઝડપી લેવાયો છે, ધવલ ત્રિવેદી 1970માં મુંબઈમાં જન્મેલો અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. સુધીનો અભ્યાસ કરેલો. આ ઉપરાંત તેની પાસે ઓક્સફર્ડ યુનિવર્સિટીની અભ્યાસની ડિગ્રી સહિતની અનેક ડિગ્રીઓ હતી.
2014 માં જ્યારે તેને રાજકોટ સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચે પકડયો ત્યારે તેણે કહ્યું હતું કે, તેની પાસે જે ડિગ્રીઓ છે તેની મદદથી તેને કોઈપણ સ્કૂલમાં પ્રિન્સિપાલ કે વાઈસ પ્રિન્સિપાલની આસાનીથી જોબ મળી જતી. તે મહિલાઓને ભગાડી ગયા બાદ બીજા રાજ્યોમાં સ્કૂલમાં જ નામ બદલી નોકરી કરતો હતો. એવી એક હકીકત તપાસથી જાણમાં આવી હતી.
ધવલ ત્રિવેદીએ સુરતમાં અંગ્રેજી ટયુશન ક્લાસીસ શરૂ કર્યા હતા. જ્યાં ટયુશન માટે આવતી બે કિશોરીઓને તેણે ભગાડી હતી. પછી તે પડધરીની ગાર્ડી સ્કૂલમાં નોકરીમાં લાગેલો. જ્યાં તેની પાસે ભણતી બે કિશોરીઓની 2012 ની સાલમાં ભગાડી હતી. જે કેસની સી.આઈ.ડી. ક્રાઈમને તપાસ સોપાઈ હતી. સી.આઈ.ડી એ અનેક રાજ્યોમાં એની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ધવલ ત્રિવેદીનો મળતો ન હતો.
આખરે તેનાં ઈ-મેઈલ આઈડી અને ફેસબુક આઈડીના આધારે સી.આઈ.ડી ક્રાઈમના તત્કાલીન જમાદાર અને હાલ બગવદર પોલીસના પી.એસ.આઈ. ડી. કે. ઝાલાએ તેનો પતો મેળવી પંજાબના બુધલાડાની મનુવાટિકા સ્કૂલમાંથી તેને ઝડપી લીધો હતો. જ્યાં તે ઓળખ બદલી શીખ તરીકે મુખ્ત્યારસિંહ ઉર્ફે સતનામસિંહ ઉર્ફે સુરજીતસિંહ એવું નામ ધારણ કરી રહેતો હતો.
આ ઉપરાંત નેપાળમાં રોકાઈને ધવલ ત્રિવેદીએ કાંડ કર્યો હતો. વર્ષો પહેલાં આ માટે નેપાળ ગયો હતો. ત્યાં પણ તેણે આવું કોઈ કાંડ કર્યા બાદ ભારત પાછો આવ્યો હતો. રાજકોટની પડધરીની બે છાત્રાઓને ફસાવી ભગાડી ગયા બાદ તે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ વગેરે સ્થળોએ રહ્યો હતો. હરિયાણાના કાલકામાં તેણે તે વખતે બોગસ દસ્તાવેજોના આધારે રેશનકાર્ડ, ઈલેક્શન કાર્ડ જેવાં અગત્યના ડોક્યુમેન્ટસ બનાવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ આ લંપટ ધવલ ત્રિવેદી આઠ જેટલી ભાષાનો જાણકાર હોય કોઈપણ રાજ્યમાં સહેલાઈથી વસવાટ કરે છે, ખાસ તો તે અંગ્રેજી પર પ્રભુત્ત્વ ધરાવતો હતો પોલીસને તેની પાસેથી અશ્લીલ સાહિત્ય પણ મળ્યું હતું. ધવલ ત્રિવેદી સેક્સ પાવર વધારવાની પણ દવા લેતો. ભોગ બનનારને તે શશી થરૂર જેવી સેલિબ્રિટીઓના ઉદાહરણો આપીને વધુ ઈમ્પ્રેસ કરતો હતો!
ગુજરાતમાંથી અત્યારસુધીમાં જેણે નવ યુવતીઓ અને કિશોરીઓના અપહરણ કર્યાં છે અને અન્ય લંપટલીલાઓ કરી છે એવાં આ સીરીયલ રેપીસ્ટ કમ લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને આખરે દિલ્હી ક્રાઈમ બ્રાંચે હિમાચલ પ્રદેશમાંથી ઝડપી લીધો. તેની ઉપર સી.બી.આઈ.એ પાંચ લાખનું ઈનામ પણ જાહેર કરેલું હતું. પોતાને ત્યાં અભ્યાસ કરવા આવતી છાત્રાઓને ભોળવી ભગાડી જવાની ટેવ ધરાવતાં ધવલ ત્રિવેદીને પડાધરીની બે છાત્રાઓને ભગાડી જવાના કેસમાં પોક્સો હેઠળ આજીવન કેદની સજા પડી હતી.
આ કેસમાં પેરોલ પર છૂટયા બાદ તે માંના ધામ ચોટીલામાંથી એક છાત્રાને ભગાડી ગયો હતો. રાજ્યભરમાં ઉહાપોહ જગાવનાર આ કેસની સી.બી.આઈ.એ તપાસ હાથ ધરી હતી. તેમજ દેશભરની પોલીસ તેની શોધખોળમાં હતી. આખરે તે ઝડપાઈ જતાં સી.બી.આઈ. સહિતની એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે.