Mysamachar.in:ગુજરાત:
તમે TVની ખરીદી 12-15 વર્ષના અંતરાલ પછી કરી છે ? ઓકે, તમારે સરકારને GST પેઈડ બિલ દેખાડવું ફરજિયાત છે. તમને એમ કહેવામાં આવે છે કે, કોઈ પણ કરપાત્ર ચીજની ખરીદી વખતે પાકું બિલ મેળવો- એ તમારો અધિકાર છે. તમને એમ પણ કહેવામાં આવે કે, ગ્રાહક તરીકે તમારે જાગતાં રહેવું જોઈએ. કેમ કે, આ જાગૃતિ તમારાં અને રાષ્ટ્રના હિતમાં છે. કરચોરોને પકડવામાં સરકારને સહયોગ આપો- એ પ્રકારની ફિલોસોફી તમારાં સમક્ષ જુદી જુદી રીતે રજૂ કરવામાં આવતી રહે છે અને ચૂંટણીઓ લોકતંત્રનું પર્વ છે, તેમાં નાણાંનું દૂષણ કોઈ પણ સ્વરૂપમાં ફૂલવું ફાલવું જોઈએ નહીં- એ માટે જરૂરી પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે, એવી વિગતો તમારાં કાન અને તમારી આંખો સુધી કાળજી રાખીને સતત પહોંચાડવામાં આવે છે.
આ પ્રકારના સુંદર વાતાવરણ વચ્ચે, એક રિપોર્ટ જાહેર થયો. જે ADR રિપોર્ટ છે. ADR એક NGO છે. જેનું આખું નામ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ છે. જે લોકતંત્રને પારદર્શક, મજબૂત અને નિષ્પક્ષ બનાવવા સખત મહેનત કરે છે. ADRના લેટેસ્ટ રિપોર્ટમાં રાજકીય પક્ષોને પ્રાપ્ત થયેલાં દાન અને અન્ય આવકોની વાત છે.
ADR રિપોર્ટ કહે છે: દેશના વિવિધ રાષ્ટ્રીય રાજકીય પક્ષોએ 2022-23 માં જાહેર કરેલાં અજાણ્યા સ્ત્રોતમાંથી મળેલાં કુલ ભંડોળમાંથી 82 ટકા દાન ઈલેકટોરલ બોન્ડમાંથી પ્રાપ્ત થયું છે. 2022-23 દરમિયાન રાજકીય પક્ષોને અજાણ્યા સ્ત્રોતમાંથી મળેલાં કુલ રૂ. 1,832.88 કરોડના ભંડોળમાંથી રૂ. 1,510 કરોડની એટલે કે 82 ટકા રકમ ઈલેકટોરલ બોન્ડમાંથી મળી છે.
ADR રિપોર્ટ કહે છે: નાણાંકીય વર્ષ 2004-05 થી વર્ષ 2022-23 દરમિયાન રાજકીય પક્ષોએ અજાણ્યા સ્ત્રોતમાંથી કુલ રૂ. 19,038 કરોડનું ભંડોળ પ્રાપ્ત કર્યું. રાજકીય પક્ષોને કુલ આવકનો 60 ટકા હિસ્સો ‘અજાણ’ લોકો પાસેથી મળે છે. (કો’ક આપી જાય છે. કોણ આપી જાય છે ? ભગવાન જાણે !)
અહેવાલ અનુસાર, ભાજપે અજાણ્યા સ્ત્રોત પાસેથી સૌથી વધુ રૂ. 1,400 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું હોવાનું જાહેર કર્યું છે. કોંગ્રેસને આ રીતે રૂ. 315.11 કરોડ મળેલાં છે. અહેવાલમાં રાષ્ટ્રીય સ્તરના 6 રાજકીય પક્ષોની વિગતોનું વિશ્લેષણ છે. જેમાં BJP, કોંગ્રેસ, CPI(M), બહુજન સમાજ પક્ષ, આમ આદમી પાર્ટી તથા નેશનલ પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે.
આ રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત કેટલાંક પ્રાદેશિક પક્ષોને પણ ઈલેકટોરલ બોન્ડના માધ્યમથી નોંધપાત્ર પ્રમાણમાં ભંડોળ પ્રાપ્ત થયાનો અહેવાલમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત કોંગ્રેસ અને CPI(M) એ સંયુકત રીતે કુપનોના વેચાણથી રૂ. 136.79 કરોડની આવક પ્રાપ્ત થઈ હોવાનું જાહેર કર્યું છે. ઓડિટ રિપોર્ટસ અને દાનના સ્ટેટમેન્ટના વિશ્લેષણ પરથી કહી શકાય કે, રાજકીય પક્ષોને મોટાભાગનું ભંડોળ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ હાલમાં જ સુપ્રિમ કોર્ટે ઈલેકટોરલ બોન્ડને ગેરબંધારણીય લેખાવી તેના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. SBI પાસેથી હિસાબ પણ માંગ્યો છે. SBI એ હિસાબ રજૂ કરવા વધુ સમયની માંગ કરી છે. દરમિયાન, આ બોન્ડ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં SBI વિરુદ્ધ કોર્ટના તિરસ્કારની કાર્યવાહીની માંગ પણ થઈ છે. અને, અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, લાંબા સમય સુધી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ ન કરવા અને ચેતવણી પછી પણ વિલંબથી આ રિટર્ન ફાઈલ કરવા વગેરે મુદ્દે રાજકીય પક્ષો અવારનવાર સમાચારોમાં ચમકતા રહે છે.