Mysamachar.in-જામનગર:
રાજ્યના અન્ય શહેરોની માફક જામનગરમાં પણ રેંકડી, પથારા અને ગુજરીબજારો- નગરજનોની જરૂરિયાત છે, નાના ધંધાર્થીઓને રોજગાર મળે છે. તેની સાથે કેટલાંક દૂષણો પણ જોવા મળે છે. વર્તમાન હાલતમાં સૌથી મોટું દૂષણ એ છે કે, આ સમગ્ર વ્યવસાયની ‘કમાણી’ તંત્ર તથા વચેટિયાઓ ખાઈ જાય છે અને બીજી તરફ વર્ષોથી મહાનગરપાલિકા આ વ્યવસાયમાંથી કાયમી આવક ગુમાવી રહી છે. આ વ્યવસાય વ્યવસ્થિત કરવાની મહાનગરપાલિકા પાસે તક છે પરંતુ મહાનગરપાલિકા આમ કરતી નથી, તેથી કાયમી બબાલો ઉભી થતી રહે છે.
શહેરમાં શાકભાજી સહિતની ઘર વપરાશી ચીજોની રેંકડી, પથારા અને સપ્તાહના ચોક્કસ દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાતી ગુજરીબજારો નગરજનોની જરૂરિયાત છે, જેને કારણે નગરજનોને ઘર નજીક આ બધી ચીજો વાજબી ભાવે મળી રહે છે. આ ઉપરાંત આ વ્યવસાયમાં હજારો નાના ધંધાર્થીઓને રોજગારી એટલે કે આજિવિકા પ્રાપ્ત થઈ શકે છે. આ કારણોથી આ સમગ્ર વ્યવસાય મહાનગરપાલિકાએ ચાલવા દેવો પડે. આ વ્યવસાયને બંધ કરાવવો શહેરના વિશાળ હિતમાં નથી. હા, આ વ્યવસાયને કાયદેસર અને વ્યવસ્થિત જરૂર બનાવી શકાય. તેમાંથી મહાનગરપાલિકાએ કાયમી આવક મેળવવી જોઈએ. અવારનવાર બંધ કરાવવા જેવી બબાલો ઉભી ન કરવી જોઈએ. અને, અન્ય એક મહત્ત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે, વરસોથી આ વ્યવસાય કાયદેસર અને વ્યવસ્થિત કરવામાં મહાનગરપાલિકાએ ઉદાસીનતા દેખાડી છે, જેને કારણે એસ્ટેટ વિભાગ તથા પોલીસ હોમગાર્ડ જેવા તંત્રો અને વચેટિયાઓ વચ્ચેથી મલાઈ તારવી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકા કાયમ નાણાંભીડ અનુભવે છે, ઘણી વખત તો મહાનગરપાલિકા પોતાના કર્મચારીઓને પગાર આપવામાં પણ તકલીફો અનુભવે છે, હાંફી જાય છે. આમ છતાં મહાનગરપાલિકા આવકના કાયમી સ્ત્રોત ઉભા કરવામાં નિષ્ક્રિય રહે છે. શહેરમાં ધંધો કરતાં રેંકડીઓ, પથારાઓ અને ગુજરીબજારો સહિતની શાક માર્કેટ વગેરે સ્થળોએ ધંધાર્થીઓ પાસેથી ભોંભાડા વસૂલવા મહાનગરપાલિકા વરસોથી દર વર્ષે ઠરાવો કરે છે, બજેટમાં જાહેરાત કરે છે પરંતુ આ બાબતનો અમલ કરવામાં આવતો નથી. આ અમલને કોઈ રોકે છે ?! શા માટે મહાનગરપાલિકાએ આ બાબતે નિષ્ક્રિય રહેવું જોઈએ ?
કેન્દ્ર સરકાર ખુદ નાના ધંધાર્થીઓ, ફેરિયાઓ વગેરેને લોન્સ આપી આત્મનિર્ભર બનાવવા પ્રયાસો કરે છે, આ બધી કામગીરીઓ ખુદ મહાનગરપાલિકા કરે છે, તો પછી સમગ્ર શહેરમાં, ચોક્કસ નીતિ અને શરતોને આધીન રહી, રેંકડીઓ, પથારાઓ અને ગુજરીબજારના સમગ્ર વ્યવસાયને વ્યવસ્થિત અને કાયદેસર બનાવવામાં મહાનગરપાલિકાને તકલીફ શું છે ? મહાનગરપાલિકાએ આ વ્યવસાયમાંથી ટેન્ડર, ઈજારદાર,ભોંભાડાની વસુલાત વગેરે બાબતોનો યોગ્ય નિર્ણય કરી, કાયમી આવક ઉભી કરવા અંગે વિચારવું જોઈએ. નગરજનોની સગવડતા સાચવી શકાય, ધંધાર્થીઓ પણ રોજગાર મેળવી શકે અને હપ્તારાજ પણ બંધ થઈ શકે. અને, થોડા થોડા દિવસે શહેરમાં બબાલો ઉભી થાય છે તે પણ ન થાય. ફીક્સ જગ્યાઓ, ફીક્સ સમય, ફીક્સ વાર અને ફીક્સ ભોંભાડું વગેરે બાબતો યોગ્ય રીતે નક્કી કરી, તેનો સુચારૂ અમલ કરાવી મહાનગરપાલિકા ધારે તો આ વ્યવસાયને વ્યવસ્થિત અને કાયદેસર બનાવી શકે, જે સૌના હિતમાં રહેશે.
-મનપાના આધારભૂત સુત્રો માહિતી આપતા કહે છે કે..
વર્ષ 2004/05થી ઠરાવ થતો આવે છે કે જામનગરમાં વિવિધ રેંકડીઓ, પથારાવાળાઓ, પાસેથી ભો ભાડું વસુલ કરવાનો ઈજારો બહાર પાડવા ઠરાવ થાય છે, જે બજેટમાં પણ જોવા મળે છે, કે પ્રતિ ચોરસ મીટર વધુમાં વધુ 5 કલાક માટે 15 રૂપિયાની વસુલાત કરવામાં આવે…જાણકારોના એક અંદાજ મુજબ જામનગરમાં સ્થાયી 8000 જેટલા રેકડીઓ અને પથારા દૈનીક છે જેમાં અલગ અલગ વારોના અલગ અલગ વિસ્તારોમાં ભરાતી ગુજરી બજાર અલગ છે.
જાણકારોના મુખેથી સાંભળવા મળતી ચર્ચાઓ મુજબ જો આ ઈજારો અપાઈ જાય તો લગત જે કોઈની ખાયકીઓ બાંધેલી છે તેને અવરોધ પહોચે અને તેની ખાયકીઓ બંધ થઇ જાય..જે માસિક લાખોમાં થાય છે, તેથી યેનેકેન પ્રકારે એસ્ટેટ શાખા સહીત જે કોઈનું આ રેકડી અને પથારામાં હિત સચવાયેલું છે તે લગતો આ ઈજારો થાય તેમાં રાજી નથી, પરિણામે મનપાને વાર્ષિક કરોડોનું નુકશાન જયારે લાગતા-વળગતાને વાર્ષિક કરોડોનો ફાયદો છે, તે સીધી વાત છે.જો કે આ તો જાણકારોની ચર્ચાઓ અને લગત પાસેથી મળતી વિગતો મુજબ મોટી ખાયકી થાય છે તેવો આક્ષેપ છે માટે તેની તપાસ થવી ઘટે બાદમાં સત્ય શું છે તે સામે આવે…કારણ કે ભૂતકાળમાં એક વિપક્ષ સભ્ય તો શહેરના અન્ય એક વકીલે એક રેકડી અને પથારાના કેટલા લેવાય છે તેની માહિતી ઉજાગર કરી હતી.
