Mysamachar.in:અમદાવાદ
અગાઉનાં જમાનામાં સમાચારો આવતાં કે ફલાણાં શહેરમાં નકલી પોલીસ ઝડપાયો. એ પછી આ ક્ષેત્રનો ઘણો વિકાસ થયો છે ! હવે PMO અને CMO નાં નામે ચરી ખાતાં આખલાઓ ઉપરાઉપરી પકડાઈ રહ્યા છે તેથી સામાન્ય લોકો અચરજ અનુભવી રહ્યા છે. લોકો વિચારે છે કે, પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય તો અતિ સંવેદનશીલ સ્થળો કહેવાય, આ કાર્યાલયોનાં નામે કૌભાંડીઓ કૌભાંડ આચરવાની કે રોફ છાંટવાની હિંમત કેવી રીતે કરી શકે છે ?! અને એકાદ નહીં, આવા શખ્સો અવારનવાર કેમ ઝડપાઈ રહ્યા છે ?! આ તત્વો છે કોણ ?! અને પકડાઈ ન જાય ત્યાં સુધી તેઓ શું શું કરતાં હોય છે ?! લોકોને આમાં પણ કોઈક ‘રમત’ હોવાની શંકાઓ છે.
રાજય તથા દેશમાં ઘણી બધી ગુપ્તચર સંસ્થાઓ છે, આવી એજન્સીઓ આ પ્રકારનાં લોકોને કેમ શોધી નથી શકતી ?! આ પ્રકારનાં તત્વોના ફોટાઓ તથા વીડિયોઝ વિવિધ પ્લેટફોર્મ પર જગજાહેર હોય છે. જેમાં તેઓ મોટાં નેતાઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે જોવા મળતાં હોય છે ! આ પ્રકારની તસ્વીરો અને વીડિયોઝનું ગુપ્ત રીતે કોઈ એનાલિસીસ નથી થતું ?! આ પ્રકારના તત્વો લાંબા સમય સુધી પોતાની ભક્તિ કેવી રીતે ચલાવતાં હોય છે ?! તેઓ પર કોઈને શંકાઓ કેમ નથી થતી ?! વગેરે પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે !
નજીકનાં ભૂતકાળમાં જામનગરનાં એક પ્રકરણમાં પણ મુખ્યમંત્રી કાર્યાલયનો આવો એક નકલી અધિકારી ઝડપાઈ ગયેલો ! જેનું નામ નિકુંજ પટેલ જાહેર થયું છે. આ શખ્સ કોણ છે ? આ શખ્સે અત્યાર સુધીમાં આવા કેટલાં ફોન કર્યા ? કેટલાં આરોપીઓને મદદ કરી ? અથવા કોઈ કૌભાંડ આચરનાર છે કે કેમ ? તેની આવકનાં સ્ત્રોત શું છે ? તે કોની કોની સાથે સંકળાયેલો છે ? તેની હાલની અને ભૂતકાળની પ્રવૃતિઓ શું છે ? તેનું નેટવર્ક શું છે ? જામનગરનાં સાયબર ક્રાઇમનાં આરોપીને છોડાવવા તેણે ભલામણ શા માટે કરી ? આરોપી સાથે તેનો સંબંધ શું છે ? અત્યાર સુધી આ શખ્સ કોઈ એજન્સીની નજરે કેમ ન ચડયો ? જામનગરનાં આ પ્રકરણમાં તેનાં વિરૂદ્ધ કાયદેસરની શું કાર્યવાહી કરવામાં આવી ?! વગેરે વિગતો સંવેદનશીલ છે અને તે જાહેર થવી જોઈએ. આ પ્રકારનાં લોકોની વિરૂદ્ધ સખત પગલાં લેવાવા જોઇએ. અચરજની વાત એ પણ છે કે, આ પ્રકારની વિગતો જાહેર થતી નથી !
તાજેતરમાં આવો વધુ એક શખ્સ ઝડપાઈ ગયો ! જેનું નામ લવકુશ દ્વિવેદી છે. આ શખ્સ ઉત્તરપ્રદેશનો છે. ગુજરાતમાં રહે છે. કર્મકાંડી બ્રાહ્મણ છે. સાથે સિકયોરિટી બિઝનેસ કરે છે. કાયદો અને સરકાર પોતાનાં ખિસ્સામાં છે એવો પ્રચાર આ તત્વો કરતાં હોય છે. આ તત્વો મહાનુભાવો સાથે સંપર્કો ધરાવતાં હોય છે, એ પ્રકારનું વાતાવરણ ઉભું કરે છે. તોડ કરે છે ! આ પ્રકારનાં તત્વો પકડાઈ ન જાય ત્યાં સુધી શું કરતાં હોય છે ? એ પ્રશ્ન મહત્વનો છે.
લવકુશ નામનાં આ શખ્સે એક GST અધિકારીને એક કેસમાં કાર્યવાહી અટકાવવા સૂચનાઓ આપી ! પોતે CMO કાર્યાલયથી બોલે છે, એમ જણાવ્યું. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે સાણંદનાં આ શખસને ઉપાડી લીધો છે. GST નાં અધિકારીને શંકા ગઇ અને તેણે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી પછી (છેક) આ શખ્સ ઝડપાયો. ત્યાં સુધી તે આનંદ કરી રહ્યો હતો !
મહાઠગ કિરણ પટેલથી માંડીને લવકુશ સુધીની યાદી લાંબી છે, જે દર્શાવે છે કે ક્યાંક બહુ મોટી ગેઈમ રમાઈ રહી હોય એવું પણ બની શકે છે ! આવા તત્વોને કોઈ ફાંસીના માંચડે ચડાવી દેતું નથી, એવી મજાક પણ લોકો કરતાં હોય છે – આવા કેસ નોંધાઈ ત્યારે.