Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયાના ઉત્સાહી તબિયત ડો. સોમાત ચેતરીયાએ વધુ એક સિદ્ધિ મેળવી અને કઠિન તથા પડકારરૂપ એવા માઉન્ટ એવરેસ્ટ પર્વતને સર કરીને અનોખો વિશ્વ વિક્રમ પ્રસ્થાપિત કર્યા બાદ આજરોજ સવારે ખંભાળિયા પરત ફરતા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો તથા આસપાસના રહીશો હોંશભેર ઉમટી પડ્યા હતા.ખંભાળિયાના સાંકેત હોસ્પિટલવાળા ડો. સોમાત ચેતરીયાએ ગત સપ્તાહમાં વિશ્વની ટોચની ઊંચાઈ ધરાવતા માઉન્ટ એવરેસ્ટ પર્વતને માત્ર 23 કલાકમાં સર કરી, આ સાથે લાહોત્સે પર્વતના શિખરને પણ સર કર્યા પછી આ અનોખો વિશ્વવિક્રમ સર્જ્યા બાદ આજરોજ સવારે તેઓ ખંભાળિયા ખાતે પરત ફર્યા હતા. જ્યાં લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ખંભાળિયાના ખેડૂત પુત્ર અને આહિર યુવા ડોક્ટર ચેતરીયાએ ગત તારીખ 13 ના રોજ માત્ર 23 કલાકના સમયગાળામાં એવરેસ્ટ અને લાહોત્સે પર્વતના શિખર સર કરી અને પડકારરૂપ સિદ્ધિ હાંસલ કર્યા બાદ આજરોજ સવારે ખંભાળિયામાં તેમનું આગમન થયું હતું. શહેરના પાદરમાં રેલવે સ્ટેશન પાસે તેમનું આગમન થતાં ખુલ્લી જીપમાં તેમને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી. આટલું જ નહીં, ફુલહારથી તેમને રીતસરના ઢાંકી દીધા હતા. આ સાથે તેમને પાઘડી પહેરાવીને આ અનોખી સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સ્થળે ઢોલ-ત્રાસાની રમઝટ સાથે ખુલ્લી, શણગારેલી જીપમાં ડો. સોમાત ચેતરીયાને રેલવે સ્ટેશનથી જડેશ્વર રોડ પર આવેલા સોનલ માતાજીના મંદિર સુધી વાજતે ગાજતે લઈ જવામાં આવ્યા હતા. લોકો દ્વારા કરવામાં આવેલા અભિવાદનને ડો. ચેતરીયાએ ઝીલી, આભારની લાગણી વ્યક્ત કરી હતી. કઠીન એવા એવરેસ્ટ શિખરને સર કરવા માટેના તેમના પ્રયાસોનું વર્ણન તેઓએ લોકો સમક્ષ કર્યું હતું.
સ્વાગત સન્માન તથા રેલીમાં પૂર્વ રાજ્યમંત્રી ડો. રણમલ વારોતરીયા, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, શહેરના તબીબો ડો. રામ ચાવડા, ડો. નિલેશ રાયઠઠ્ઠા, ડો. વિપુલ કરમુર, ડો. નિલેશ ચાવડા, ડો. વી.ડી. કાંબરીયા, ડો. કાશ્મીરાબેન, વિગેરે સાથે જિલ્લા પંચાયતના એભાભાઈ કરમૂર, સુવિખ્યાત ભજનિક પરસોતમપરી બાપુ, ઇન્દ્રજીતસિંહ પરમાર, હિતેશભાઈ પિંડારિયા, પી.એમ. ગઢવી, મશરીભાઈ નંદાણીયા, મયુરભાઈ ગઢવી, સાથે મોટી સંખ્યામાં તબીબો, આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી અને ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ સુવર્ણ અક્ષરે રોશન કરનાર ડો. સોમાત ચેતરીયાનું વિવિધ એસોસીએશન તથા મંડળો અને આગેવાનો દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. જે બદલ ડોક્ટર ચેતરીયાએ સર્વેનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.