Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યા વધી રહી છે. બીજી બાજુ રાજ્યમાં સ્કૂલો-કોલેજો શરૂ થઈ ગઈ છે, ત્યારે રાજ્યની શાળાઓ અને કોલેજોમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ કોરોના પોજીટીવ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જેના કારણે સ્કૂલો બંધ કરવાની માંગ થઈ રહી છે, તેને આડકતરી રીતે નકારતા વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ પરિપત્ર બહાર પાડશે. જરૂર પડશે તો નિયમોનો કડકાઈથી અમલ કરાશે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સરકાર ચિંતિત છે. પરંતુ આપણે કોરોના સામે હિંમતભેર લડવાનું છે અને કોરોના નિયમોનું પાલન કરીને તકેદારી રાખવાની છે, સાવધાની રાખવાની છે. એટલા માટે કોરોનાની SOP યથાવત રખાઈ છે. બાળકો માટે ઓનલાઈન અભ્યાસનો પણ સરળ વિકલ્પ ખુલ્લો રાખેલો છે.
નોંધનીય છે કે, શિક્ષણમંત્રીના આદેશના પગલે શિક્ષણ વિભાગ રવિવારે પણ ચાલુ રહ્યો હતો અને રાજ્યની તમામ સ્કૂલો માટે તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરીને શાળાઓ્ને તકેદારી માટે કયાં પગલા ભરવા તેની સૂચના આપી હતી.ધોરણ 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચના આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ સ્ટાફ દ્વારા વેક્સીનના બન્ને ડોઝ લીધેલા હોવા જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. અથવા કોઈ પ્રકારનો રોગ દેખાય તો જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે. વાલીઓએ પણ પરિવારમાં કે બાળકમાં કોરોનાના લક્ષણો કે સંક્રમણ દેખાય તો શાળાએ મોકલવું નહીં. શાળાએ ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલું રાખવાની રહેશે.