Mysamachar.in:અમદાવાદ:
જામનગર, સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં પતિ અને પત્ની વચ્ચેના મતભેદો અને ઝઘડાઓ તથા પરિણીતાઓ દ્વારા સાસરા પક્ષ વિરુદ્ધ થતી ફરિયાદો જાણે કે, ઘર ઘરની કહાની બની ગઈ હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે અદાલતો આવા ઘણાં કેસોમાં વધુ ગંભીરતા દાખવી કોઈ પણ પક્ષને અન્યાય ન થાય તે માટે ચિંતિત રહે છે. તાજેતરમાં આવા એક કેસમાં વડી અદાલતે એક પરણીતાની સાસરા પક્ષ વિરુદ્ધની FIR રદ્દ કરતો આદેશ આપ્યો છે.
IPCની ધારા 498-A નો પરણીતા દ્વારા દુરુપયોગ થયો હોય એવો વધુ એક કેસ હાલમાં વડી અદાલત સુધી પહોંચ્યો હતો. પેટલાદની એક પરિણીતાએ પોતાની સાસુ અને 3 નણંદ વિરુદ્ધ દહેજ સતામણી અને ક્રૂરતાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ રદ્દ કરતી વખતે વડી અદાલતે સર્વોચ્ચ અદાલતના કહકશાં કૌસરના કેસના ચુકાદાને ટાંકતા કહ્યું કે, ‘ દેશમાં વૈવાહિક વિવાદોના કેસ બેફામ રીતે વધી રહ્યા છે, અને એમાં ધારા 498-A નો ઉપયોગ ફરિયાદી મહિલાઓ સાધન તરીકે કરે છે અને તેના માધ્યમે મહિલાઓ પતિ તથા તેના સંબંધીઓ વિરુદ્ધના પોતાના અંગત વેર વાળે છે. ‘ આ નોંધ સાથે વડી અદાલતે પેટલાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી એક પરણીતાની ફરિયાદ રદ્દ કરવા આદેશ કર્યો.
આ કેસમાં 5 મહિલાઓએ તેમની વિરુદ્ધ ધારા 498-A સહિતની વિવિધ ધારા હેઠળની પુત્રવધૂએ કરેલી ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટ સમક્ષ કવોશિંગ પિટિશન ફાઇલ કરી હતી. જે રિટને ગ્રાહ્ય રાખતાં વડી અદાલતના જસ્ટિસ ઈલેશ વોરાએ આદેશમાં નોંધ્યું હતું કે, ‘ધારા 498-A નો દુરુપયોગ મહિલાઓ દ્વારા તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ અંગત વેર વાળવા વધી રહ્યો હોવાનું ખુદ સુપ્રિમ કોર્ટે પણ નોંધ્યું છે. એક અન્ય કેસમાં સુપ્રિમ કોર્ટે એવી નોંધ લીધી છે કે, આ કાયદાનો દુરુપયોગ જે રીતે વધી રહ્યો છે, તેને ગંભીર રીતે ચકાસવાની જરૂર છે. અને આ જોગવાઈ પર પુન:વિચાર કરવાની પણ જરૂર છે. મહિલાઓ દ્વારા ઘટનાઓનું કદ વધારીને થતી ફરિયાદોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અને એવું મોટા કેસોમાં સામે આવ્યું છે. એક અન્ય કેસમાં કોર્ટનું એવું પણ અવલોકન સામે આવ્યું છે કે, કોઈ પણ પ્રકારની સક્રિય ભૂમિકા વિના પરણીત મહિલાઓ દ્વારા વૈવાહિક વિવાદોમાં પતિ અને તેના કુટુંબના અન્ય સભ્યોને સંડોવી દેવામાં આવતા હોય છે.
વડી અદાલતે નોંધ્યું છે કે, પ્રસ્તુત કેસમાં પણ એ વાત નિર્વિવાદ છે કે, ફરિયાદી મહિલાના લગ્ન અગાઉ તેની 3 નણંદોના લગ્ન થઈ ચૂક્યા છે. અને તેઓ સ્વતંત્ર રીતે પોતાના સાસરિયામાં રહેતી હતી. તેથી તેમની વિરુદ્ધના જે આક્ષેપ છે તે કોઈ પણ રીતે સાબિત થઈ શકે એમ નથી. અને એના માટેના કોઈ આધારપુરાવા પણ સામે આવ્યા નથી. આ સંજોગોમાં મહિલાની ફરિયાદ બદઈરાદાપૂર્વકની હોવાનું જણાય છે. ફરિયાદી પત્નીના પતિ સાથે વણસેલા સંબંધોના પરિણામે તેણે સાસુ અને અન્ય સભ્યો વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. અને તેથી આ કેસમાં નોંધાયેલી FIR રદ્દ કરવામાં આવે છે.