Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર સહિત રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ દાખલ કરવા તંત્રએ સૌ ઉમેદવારોને પર્યાપ્ત દિવસો અને સમય આપ્યા પરંતુ જામનગર-દ્વારકાની જ વાત કરીએ તો, સૌને ફોર્મ દાખલ કરવાનાં છેલ્લાં દિવસે જ ફોર્મ દાખલ કરવા છે ! અને, સૌને એ માટે 12:39નાં વિજ્યમૂહુર્તનો જ મોહ છે ! જેને કારણે વિવિધ બેઠકો માટેનાં સરકારી ચૂંટણી કાર્યાલયોમાં આજે ફોર્મ દાખલ કરવાનાં છેલ્લાં દિવસે ભારે ધસારો જોવા મળ્યો ! અને, ચૂંટણી સંબંધી તંત્રો ભારે વર્કલોડ હેઠળ દબાઈ ગયા !! આટલાં દિવસો તેઓ પાસે કોઈ જ કામ ન હતું અથવા સાવ પાંખી કામગીરી હતી.
આજે ત્રણેય મુખ્ય પક્ષો ભાજપા, કોન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત અન્ય નાની પાર્ટીઓનાં ઉમેદવારો તથા ઢગલાબંધ અપક્ષોએ સંબંધિત કચેરીઓમાં વાજતેગાજતે પોતાનાં નામાંકનપત્રો દાખલ કર્યા. જે પૈકી કેટલાંક લોકોએ કોઈ ઉહાપોહ વિના શાંતિથી પોતાનું નામાંકન દાખલ કરાવી લીધું !
આજે સોમવારે 76-કાલાવડ બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા, કોન્ગ્રેસના ઉમેદવાર પ્રવિણ મુછડિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો. જિગ્નેશ સોલંકી સહિતના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા. 77-જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, કોન્ગ્રેસના ઉમેદવાર પક્ષનાં જિલ્લા અધ્યક્ષ જીવણ કુંભરવાડીયા તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ દોંગા સહિતનાં ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર દાખલ કર્યા. આ બેઠક પર કોંગ્રેસ છોડનાર કાસમ ખફીએ પણ ઉમેદવારી નોંધાવી છે. 78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા, કોન્ગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ નામાંકન પત્રો દાખલ કર્યા. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અગાઉ નામાંકન પત્ર દાખલ કરી ચૂક્યા છે.
79-જામનગર દક્ષિણનાં ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી, કોન્ગ્રેસના ઉમેદવાર મનોજ કથિરીયા તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિશાલ ત્યાગી તથા અન્ય ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ ભર્યા. 80-જામજોધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્વ મંત્રી ચીમન શાપરિયા, કોન્ગ્રેસના ઉમેદવાર વર્તમાન ધારાસભ્ય ચિરાગ કાલરીયા તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હેમંત ખવા સહિતના સૌ ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની 81-ખંભાળિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વધુ એક વખત મુળુ બેરાએ, કોન્ગ્રેસના ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમ તથા આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સહિતના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો ભર્યા. આ જિલ્લાની બીજી બેઠક 82-દ્વારકા-કલ્યાણપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પબુભા માણેક, કોન્ગ્રેસના ઉમેદવાર મુળુ કંડોરિયા તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિતના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા. આગામી ગુરુવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ગુરૂવારે સાંજે ચિત્ર સ્પષ્ટ થશે કે, કઈ બેઠક પર કયા કયા ઉમેદવાર આ ચૂંટણી લડી રહ્યા છે ?