Mysamachar.in-જામનગર:
સામાન્ય લોકોની સામાન્ય સમજ એવી હોય છે કે, નગરજનો અને મહાનગરપાલિકા વચ્ચે કોર્પોરેટર એક ‘સેતુ’ સમાન હોય છે, આથી કોર્પોરેટરે કોર્પોરેશનમાં લોકોના સેંકડો કામો કરાવવાના હોય છે. પરંતુ જામનગર મહાનગરપાલિકાની કહાણી કંઈક અલગ છે. એક તરફ લાખો નગરજનોના હજારો કામો કોર્પોરેશનમાં ટલ્લે ચડેલા હોય છે, હજારો ફરિયાદો થતી રહેતી હોય છે, બીજી તરફ લોકોના આ કામોમાં નગરસેવકોને કોઈ રસ ન હોય એવી સ્થિતિઓ જોવા મળી રહી છે.

જામનગર શહેરમાં શાસકપક્ષ અને વિપક્ષના મળી કુલ 64 નગરસેવકો છે. સોમવારથી શુક્રવાર દરમિયાન મહાનગરપાલિકામાં સવારના સમયે માંડ દસબાર જેટલાં કોર્પોરેટર ક્યાંક ક્યાંક દ્રશ્યમાન થતાં હોય છે. મતલબ કોર્પોરેટરો પૈકી 80 ટકા જેટલાં કોર્પોરેટર મહાનગરપાલિકામાં દ્રશ્યમાન થતાં નથી. આ નગરસેવકોના વિસ્તારોમાં વસતા હજારો નાગરિકો સુખી છે ? કોઈને મહાનગરપાલિકા સંબંધિત કોઈ કામ જ નથી હોતું ?! કે પછી નગરસેવકો નાગરિકોના કામોમાં રસ લેતાં નથી ? આ તમામ કોર્પોરેટરોને તો પછી રસ શેમાં છે ? એવો પણ પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે.

મહાનગરપાલિકામાં સવારના સમયે થોડી ચહલપહલ જોવા મળે છે, એ પણ અમુક જ કોર્પોરેટર. અને બપોર બાદના સમયમાં તો કોઈ જાણે ફરકતું જ નથી. અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, એકાદ બે પદાધિકારીઓને બાદ કરતાં શાસકપક્ષ અને વિપક્ષના મોટાભાગના નેતાઓ અને સામાન્ય નગરસેવકો બપોર પછીના સમયમાં મહાનગરપાલિકાએ આવવાનું ટાળે છે. આ પ્રકારના ‘આળસુ’ કોર્પોરેટરોના વિસ્તારોના હજારો નાગરિકોના સેંકડો પ્રકારના કામો મહાનગરપાલિકાની ફાઈલોમાં અટવાયેલા પડ્યા રહે છે. કારણ કે, કોર્પોરેટરો તરફથી લોકોના કામો બાબતે કોઈ પૂછપરછ ન થતી હોય એ સ્થિતિઓનો કર્મચારીઓ પણ ગેરલાભ ઉઠાવતા હોય છે અને તેઓ પણ પોતાની અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોય છે. સરવાળે મહાનગરપાલિકાની કાર્યક્ષમતાનો પૂરો ઉપયોગ થતો નથી, લોકોને સેવાઓ અને સુવિધાઓ પ્રાપ્ત થવામાં વિલંબ થતો જોવા મળી રહ્યો છે. ચૂંટણીઓ સમયે મતવિસ્તારો ખૂંદવાનું જોમ દેખાડતા ‘સેવકો’ ચૂંટાઈ ગયા બાદ મતદારોને ભૂલી ગયા હોય તેવી સ્થિતિઓ જોવા મળી રહી છે !
