Mysamachar.in-રાજકોટ:
રાજકોટનો ભયાનક અગ્નિકાંડ સૌની સ્મૃતિમાં અત્યંત ઘેરી રીતે અંકિત થયેલો છે, 27 જિંદગીઓને જીવતી ભસ્મીભૂત કરનાર આ ભયંકર અગ્નિકાંડને 180 કરતાં વધુ દિવસો વીતી ગયા બાદ પણ, આજની તારીખે આ અગ્નિકાંડ મામલાની અદાલતી કાર્યવાહીઓ શરૂ થઈ શકી નથી, કારણ કે આરોપીઓ કહે છે: અમને કેસ લડવા વકીલો મળતાં નથી. આ મુદ્દા પર અદાલતે અત્યાર સુધીમાં આરોપીઓને દસ-દસ વખત મુદ્દતો આપી છે.
સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનાર આ અગ્નિકાંડના પીડિત પરિવારોને બનાવના 6 મહિના બાદ પણ ન્યાય મળવાનું શરૂ થયું નથી. કારણ કે, અદાલતમાં આ કાંડની સુનાવણીઓ જ શરૂ થઈ શકી નથી. વકીલ ન મળવાના બહાના હેઠળ આરોપીઓ સમય બરબાદ કરી રહ્યા છે, હવે અદાલતે કહ્યું: 3 ડિસેમ્બર સુધીમાં તમને વકીલ નહીં મળે તો, તમને એટલે કે આરોપીઓને સરકારી વકીલ આપી, કેસ ચલાવવાનો પ્રારંભ કરવામાં આવશે. દરમિયાન, ખાસ સરકારી વકીલએ અદાલત સમક્ષ અરજી દ્વારા માંગ કરી છે કે, આ કેસ અદાલતમાં રોજેરોજ ચલાવવામાં આવે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટના તમામ વકીલો અગાઉ જાહેર કરી ચૂક્યા છે કે, એક પણ વકીલ આરોપીઓનો કેસ લડશે નહીં. પોલીસે ઘણાં સમય અગાઉ અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરેલું છે પરંતુ કેસ અદાલતમાં શરૂ થયો ન હોય, ચાર્જ ફ્રેમ થયા નથી એટલે આરોપનામું ઘડાયું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગેમઝોનમાં 25મે ના ગોઝારા દિવસે આ દુર્ઘટના થઈ એ પહેલાં 3 વર્ષ સુધી ગેરકાયદેસર રીતે આ ગેમઝોન ધમધમતો રહ્યો. અને જો દુર્ઘટના સર્જાઈ ન હોત તો આજે પણ સતાધીશો મૌન હોત અને ગેરકાયદેસર ગેમઝોન ધમધમતો હોત. અગ્નિકાંડે 27 જીવનો ભોગ લઈ સૌ સત્તાવાળાઓને ઉઘાડા પાડી દીધાં. આમ છતાં હજુ સુધી આ આરોપીઓને ‘સજા’ આપવાનું શરૂ થયું નથી.
આ ભયાનક હત્યાકાંડના આરોપીઓમાં યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર, મનસુખ સાગઠિયા, રોહિત વિગોરા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા, રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી, કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, ઈલેશ ખેર, ભીખા ઠેબા, મહેશ રાઠોડ અને પ્રકાશ હિરણ(જૈન)નો સમાવેશ થાય છે.
આ અગ્નિકાંડના 15 પૈકી 11 આરોપીઓએ વકીલ રોકી લીધાં છે, બાકીના 4 આરોપીઓએ વકીલ રાખવાના બાકી છે. ઉલ્લેખનિય છે કે, ગેમઝોનમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ ફાટી નીકળેલી જેમાં 27 જીવ ભૂંજાઈ ગયા હતાં. આ આગ અગાઉ એક વર્ષ પહેલાં પણ, આ જ રીતે વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગી હતી. એમ છતાં, તે સમયે સૌ સત્તાવાળાઓએ ગંભીરતા દાખવી ન હતી અને બરાબર એક વર્ષ બાદ આ ભયાનક અગ્નિકાંડ સર્જાયો !! કુદરતે ચેતવણી સંકેત આપેલો પરંતુ પાપીઓ સૌ’ધંધો’ કરતાં રહ્યા.(file image)