Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત માટે નર્મદા મૈયા જીવાદોરી છે એવો પ્રચાર સતત અને વર્ષોથી ચાલી રહ્યો છે એ દરમિયાન હાલમાં જ વિધાનસભામાં જાહેર થયેલાં આંકડાઓ ગંભીર અને સંવેદનશીલ તથા ચિંતાપ્રેરક છે. કેમ કે, ખેડૂતોના વાડીખેતરો સુધી આ પાણી પહોંચાડવાના કામોમાં વિલંબ થયો છે એવું ખુદ સરકાર વિધાનસભામાં સ્વીકારે પણ છે અને એ માટેના કારણો પણ આપી રહી છે.
નર્મદા યોજનાનું પાણી હજુ તમામ ખેતરો સુધી પહોંચાડવામાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે તેની કબૂલાત ગુજરાત રાજ્યના નર્મદા વિભાગના મંત્રીએ કરી છે, તેમણે જણાવ્યું છે કે, ખેતરો સુધી પાણી પહોંચે તે માટેના કેનાલોના કામોમાં કોઈને કોઈ કારણસર વિલંબ થઈ રહ્યો છે.
વિધાનસભામાં પૂછવામાં આવેલાં એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, 2022ની સ્થિતિએ જે કામો બાકી હતાં તે પૈકી 2023માં નર્મદા યોજનાની શાખા નહેરના 0.29 કિમીના, વિશાખા નહેરના 14.26 કિમીના, પ્રશાખાના 64.82 કિમીના અને પ્રપ્રશાખાના 171.83 કિમી લંબાઈના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
જયારે ડિસેમ્બર-2023ની સ્થિતિએ, નર્મદા યોજનાની શાખા નહેરની સુધારેલી અંદાજિત લંબાઈ 2,680.24 કિમી પૈકી 0.64 કિમી, વિશાખાની સુધારેલી લંબાઈ 4,619.16 કિમી પૈકી 157.39 કિમી, પ્રશાખાની 1,582.97 કિમી લંબાઈ પૈકી 1,006.02 કિમી અને પ્રપ્રશાખાની અંદાજિત સુધારેલી 46,156.72 કિમી લંબાઈ પૈકી 4,560.36 કિમી લંબાઈના કામો બાકી છે.
બાકી કામોમાં વિલંબના કારણો આપતાં મંત્રીએ જણાવ્યું કે, નહેર માળખાનાં પ્રશાખા નહેર સુધીના કામો જમીન સંપાદન અને અન્ય યુટિલિટીઝ ક્રોસિંગ જેવા કે, રેલ્વ , રસ્તાઓ, ગેસ ઓઈલ પાઈપલાઈન જેવા સંબંધિત વિભાગોની મંજૂરીઓ મળે પછી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા આયોજન છે. જો કે પ્રપ્રશાખા એટલે કે જયાં ખેડૂતોની ભાગીદારી સાથે કરવાના થતાં કામો તબક્કાવાર પિયત વિસ્તારના ખેડૂતોની સંમતિ મળે તે બાદ પૂર્ણ થઈ શકશે.