Mysamachar.in-જામનગર:
જામનગરમાં પેટ્રોલપંપો પર વિવિધ પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ મુદ્દે અવારનવાર વિવાદો થતાં હોય છે પરંતુ સંબંધિત તંત્રો આવા સમયે પણ વિવાદોથી અંતર રાખતાં હોય છે અને રૂટિનમાં પણ જાણે કે કયારેય કોઈ ચેકિંગ થતું જ ન હોય તેમ તંત્રો આ બાબતે કાયમ મૌન જ રહેતાં હોય છે.
પેટ્રોલપંપો પર પીવાના પાણીની વ્યવસ્થાઓ, વાહનોમાં વિનામૂલ્યે હવા ભરી આપવી, ઈંધણનું માપ, ઈંધણ ભેળસેળ વિનાનું આપવું એવા ઘણાં નિયમો અને કાયદાઓની જોગવાઈઓ છે. પરંતુ જામનગર શહેર જિલ્લામાં આ બધી કામગીરીઓ કરવામાં ચોક્કસ પ્રકારની ઉદાસીનતા હોય એવું દેખાઈ રહ્યું છે.
હાલમાં રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે જુદાજુદા જિલ્લામાં આ કામગીરીઓ થઈ રહી છે. રાજકોટમાં તો એક પેટ્રોલપંપ પર ગેરરીતિઓ બહાર પણ આવી. પરંતુ આ ઝુંબેશમાંથી જામનગરને જાણે કે બાકાત રાખવામાં આવ્યું હોય એવી શાંતિ સંબંધિત તંત્રો જાળવી રહ્યા છે.

સામાન્ય રીતે તોલમાપ તંત્ર પોતાની રીતે આ ચેકિંગ કામગીરીઓ કરતું હોય છે, અને ઘણી વખત પૂરવઠા તંત્ર સાથે એમની સંયુકત ડ્રાઇવ પણ હોય છે, પરંતુ જામનગરમાં આવી ઝુંબેશ છેલ્લે ક્યારે થયેલી- એ પણ વિચારીને યાદ કરવું પડે એવી સ્થિતિઓ જોવા મળે છે.
રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે રાજકોટના તોલમાપ વિભાગે ભીલવાસ વિસ્તારમાં એક પેટ્રોલપંપ પરની માપની ગેરરીતિઓ ઝડપી લીધી છે. અહીં લિટરે 35 ml પેટ્રોલ ઓછું આપી ગ્રાહકોને લૂંટવામાં આવતાં- એવું બહાર આવ્યું છે. તંત્રએ અહીં પેટ્રોલની 2 અને ડીઝલની 1 નોઝલ સીલ કરી દીધી છે. રાજકોટમાં પણ આ કામગીરીઓ લાંબા સમય બાદ થઈ હોવાની વિગતો બહાર આવી છે. જામનગરમાં લાંબા સમયે પણ, આ કામગીરીઓ કયારેય થશે ?…(symbolic image)