Mysamachar.in-જામનગર:
દેશના કે વિદેશના કોઈ પણ VVIP જામનગરના સિવિલ એરપોર્ટ પર કે એરફોર્સ સ્ટેશન પર આવે ત્યારે, માત્ર ફોટા-બુકે જ ન હોય, સાથેસાથે VVIP ને સર્વ થનાર પીવાના પાણી સહિતની ખાણીપીણીની તમામ ચીજોનું કડક ચેકિંગ પણ થતું હોય છે. આ કામગીરીઓ કેવી રીતે થાય છે ? એ અંગે JMC નો ફૂડવિભાગ શું કહે છે ? જાણો.
આગળ જણાવ્યું તેમ કોઈ પણ VVIP આ જગ્યાઓ પર આવે તેના 3-4 કલાક અગાઉ મહાનગરપાલિકાનો ફૂડવિભાગ ત્યાં પહોંચી જાય, VVIP ને તથા તેમની સાથેના અન્ય મહેમાનોને પીવાનું પાણી, નાળિયેર પાણી, ચા-કોફી, નાસ્તો કે ભોજન, સર્વ કરતાં અગાઉ આ બધી ચીજો જે લાવ્યું હોય, જેણે ચીજો બનાવી હોય, કોન્ટ્રાક્ટ અંતર્ગત પૂરી પાડી હોય એ તમામ લોકો ઉપરાંત ફૂડવિભાગના અધિકારીઓને આ બધી જ ચીજો ચેકિંગ માટે ચાખવી-ખાવી-પીવી પડે, બધી જ ચીજોના નમૂનાઓ લેવા પડે, આ નમૂનાઓ FSLમાં મોકલવા પડે અને તેના રિપોર્ટ રેકર્ડ પર લેવા પડે- આ પ્રકારના નિયમો છે.
તાજેતરમાં રાષ્ટ્રપતિ જામનગર એરફોર્સ સ્ટેશન પર આવ્યા ત્યારે પણ, ઉપરોકત બધી જ પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. સર્વેલન્સ અંતર્ગત 20 નમૂનાઓ પણ લેવામાં આવ્યા. જો કે, રાષ્ટ્રપતિ હેલિકોપ્ટરમાંથી ઉતરી, એરફોર્સના ખાસ વિમાનમાં બેસી જતાં રહ્યા. એરફોર્સ સ્ટેશન પર નાસ્તા કે ભોજન માટે રોકાયા ન હતાં, છતાં નિયમો અનુસાર આ બધી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ફૂડવિભાગ જણાવે છે: દશેરાથી દીવાળીના તહેવારો દરમ્યાનની શહેરમાં જે ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે તેમાં પનીર, ફાફડા, જલેબી, બેસન, ઘી, માવો વગેરે ખાદ્ય ચીજોના નમૂનાઓ એકત્ર કરી પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવાની કામગીરીઓ હાલ પણ ચાલી રહી છે.