Mysamachar.in-સુરત
કયારેક કોઈ કિસ્સાઓમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે જોવા જેવી થાય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે, આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં હથુરણ ગામે દારૂ પી પત્ની સાથે ઝઘડી રહેલા યુવકને ડિટેઇન કરવા જતા દારૂડિયાએ પોલીસ પર હુમલો કરી વર્દી ફાળી નાંખી ભાગી છુટ્યો હતો. માંગરોળ તાલુકાના હથુરણ ગામની સીમમાં આવેલ ડિવાઈન વિલા રેસીડેન્સીમાં પતિ પત્ની ઝઘડતા હતાં. જે અંગે કોસંબા પોલીસમાં જાણ કરાતાં ટીમ મોબાઈલ વાનમાં ઘટના સ્થળે પહોંચી હતી.
દારૂડિયાની પત્નીએ ‘તુમ કહાંકી પુલીસ હો, તુમકો યહાં કીસને બુલાયા હૈ’ કહી પતિને ગાડીમાં બેસવા દીધો ન હતો. પોલીસે તેની પત્નીને જણાવેલ કે તમારા પતિએ નશો કરેલ છે. તમારી સાથે ઝઘડો કરતો હોય તે બાબતે તમારા પતિને પોલીસ સ્ટેશને લઈ જઈએ છીએ. અને સરકારી ગાડીમાં બેસાડવા જતી હતી ત્યારે નશામાં ચકચૂર ઈસમે મોહનભાઈના યુનિફોર્મનો ડાબા ખભાનો સોલ્ડર બેચ પકડી લીધો હતો.
જેથી મોહનભાઈએ એ છોડી દેવા જણાવ્યું હતું. પરંતુ નશામાં ચકચુર ઈસમે મોહનભાઈના ગાલ પર બે લાફા મારી દીધા હતાં. અને ગળુ દબાવવાની કોશીશ કરી હતી. તેમજ ડાબા ખભાનો સોલ્ડર બેચ તોડી નાંખ્યો હતો. યુનિફોર્મ ફાડી નાંખ્યો હતો. આ જોતા સોસાયટીના અન્ય માણસો દોડી આવ્યા હતાં. પોલીસે તપાસ કરતા આ પતિ પત્નીનું નામ તેજસિંગ દેવડા અને તેની પત્નીનું નામ દીલખુશ હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની ઉપર સરકારી કામમાં અડચણરૂપ થવા પોલીસ સાથે ઝપાઝપી કરવા અને મારામારી કરવા વગેરે ગુના હેઠળ તેમની ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી છે.