Mysamachar.in-જામનગર
આર્યુવેદમાં આમળાની ગણના રસાયણ ફળ તરીકે કરવામાં આવી છે. જે વૃદ્ધત્ત્વને અટકાવે તથા શકિત આપે તેને રસાયણ કહે છે. અમૂક ફળોથી ફકત શકિત જ મળે છે. જયારે આમળામાં તમામ રોગો દૂર કરવાની શકિત છે. તેથી તેને યૌવનફળ પણ કહેવામાં આવે છે. આમળાનો ઉપયોગ ઘણી આયુર્વેદિક ઔષધિઓ કે દવાઓની બનાવટમાં થાય છે. આમળાનો ઔષધ તરીકેનો ઉપયોગને ભારતીય વૈદિક સાહિત્યમાં પણ વર્ણાવ્યો છે. આમળાનો ઉપયોગ બળતરા, કબજીયાત, ઉલટી, અમ્લપિત્ત વગેરે સામે ઘણો અસરકારક જોવા મળેલ છે. આમળાએ ત્રિફલા ચૂર્ણના ત્રણ મુખ્ય ઘટકો આમળા, હરડે અને બહેડા પૈકીનો એક છે. આ ઉપરાંત કાયાકલ્પ માટે વપરાતાં રસાયણ ચૂર્ણ (જેમાં આમળા, ગોખરૂ અને ગળો)માં પણ આમળાનો ઉપયોગ થાય છે.
યાદશકિત વધારવા માટે અને શરીરની તંદુરસ્તી માટે વપરાતું ચ્યવનપ્રાશ પણ આમળાની પેસ્ટ માંથી બને છે. ભારતીય વૈજ્ઞાનિકોના મતાનુસાર આમળામાં મુખ્ય ઐાષધીય ઘટક તરીકે ફાયલેમ્બ્લીન(Phyllemblin) આવેલું હોય છે. તેમજ તેમાં ગેલીક એસીડ, ટેનીન, પેપ્ટીન અને એસ્કોરબીક એસીડ જેવાં મુખ્ય ઘટકો પણ હોય છે. આપણે ત્યાં એક કહેવત છે કે, ‘વડીલોની વાત અને આમળાનો સ્વાદ પાછળથી જ ખબર પડે છે.’ આમળા ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. આયુર્વેદશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આમળા એ દરેક પ્રકારના દર્દની દવા છે. આમળા શરીરના પાચનતંત્રથી માંડી અને યાદશક્તિ સુધીની દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
જો નિયમિતતાથી આમળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે વૃદ્ધત્વ પણ દૂર થઈ જાય છે. તે શરીરની અનેક પ્રકારની બીમારીઓ જેવી કે મધુમેહ, હૃદયની બિમારીઓ વગેરે બિમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો નિયમિત રૂપે આમળાનું સેવન કરવાના કારણે સ્વાસ્થ્યને આ પ્રકારના ફાયદાઓ થાય છે.. જેમાં. .
-આમળાનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
-આમળાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળાની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.
-આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને શરીરની અંદર જમા થયેલા તમામ ઝેરી તત્ત્વો લગભગ બહાર ફેંકાઈ જાય છે.
-આમળાંનું જ્યૂસ પીવાથી લોહી શુદ્ધ થઈ જાય છે. તેમજ લોહીની અંદર રહેલી બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે.
-આમળાનું સેવન આંખોની રોશની વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે.
-આમળાનું સેવન શરીરની ત્વચા તથા વાળની દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
-સવાર સવારમાં નાસ્તામાં જો આમળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે શરીર સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે.
-ડાયાબિટીસના દર્દીઓ માટે આમળા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો નિયમિત રૂપે આમળાના અને હળદરના ચૂર્ણનું સેવન કરવામાં આવે તો તમારા શરીરની અંદર શુગરનું લેવલ બેલન્સ રહે છે અને તમને ડાયાબીટીસની સમસ્યામાંથી છૂટકારો મળી રહે છે.
-હરસના દર્દીએ આમળાનો એકદમ બારીક પાઉડર સવાર-સાંજ ગાયના દૂધની સાથે તેનું સેવન કરે તો તેના કારણે હરસની સમસ્યામાં ફાયદો થાય છે.
-આમળાનું સેવન કરવાથી તમારું ઉદર મજબૂત બને છે અને હૃદયને લગતી બીમારીઓ દૂર થાય છે. તેથી સવાર સવારમાં આમળાનું સેવન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
-કોઈપણ વ્યક્તિને ઉધરસ આવતી હોય તો દિવસમાં ત્રણથી ચાર વખત આમળાના મુરબ્બાને ગાયના દૂધની સાથે ખાવામાં આવે તો ઉધરસની સમસ્યા તરત દૂર થઈ જાય છે.
-જો કોઈપણ વ્યક્તિને પેશાબમાં બળતરા થતી હોય તો આમળાની અંદર થોડું મધ ભેળવીને તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે પેશાબમાં થતી બળતરા માંથી છૂટકારો મળે છે.
-શરીરમાં થયેલી પથરીની સમસ્યાને દૂર કરવા માટે આમળાનો જ્યુસ સર્વોપરી માનવામાં આવે છે. જો આમળાંના ચૂર્ણની અંદર મૂળાનો રસ ઉમેરીને 40 દિવસ સુધી સેવન કરવામાં આવે તો તેના કારણે કિડનીની પથરી દૂર થઈ જાય છે.
આમળાનો મહિમા ભારતવર્ષમાં પ્રાચીન સમયથી જાણાતો આવ્યો છે. આમળામાંથી વિવિધ પ્રકારની ઘણી જ બનાવટો બનાવી શકાય છે. આમળાની સૌથી મોટી ખૂબી એ છે કે એને બાફો, વાટો, છુંદો તો પણ એમાં રહેલું વિટામીન સી સચવાયેલું રહે છે. સામાન્ય રીતે દૂધ અને ખટાશ ભેગા ન લેવાય એવું ડોકટર-વૈધ-હકીમો કહે છે. પરંતુ આમળા આ નિયમમાં અપવાદ છે. હોમિયોપેથીમાં પણ આમળાનો સારો એવો ઉપયોગ થાય છે. આ રીતે આમળા ગુણકારી, ફાયદાકારી અને ઉપયોગી ફળ, ઔષધિ અને રસાયણ છે.