Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી હરિફાઈ થવા પામી હોય,રસાકસીભર્યા ચૂંટણીજંગમાં કોણ બાજી મારી જશે તે અંગે ચર્ચાનો દૌર શરૂ થયો છે.એવામાં ૨૦૧૪ કરતા આ વખતે એકા-એક મતદાનની ટકાવારીમાં ઉછાળો આવ્યો છે,અને ગ્રામીણ ક્ષેત્રના મતદાનની ટકાવારી સાથે શહેરી વિસ્તારમાં ટકાવારીમાં પણ વધારો થયો છે,

જામનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં ૫૭.૮૦ ટકા મતદાન થયું હતું,અને મોદી લહેરને કારણે ભાજપના ઉમેદવાર જંગી લીડ સાથે વિજેતા થયા હતા,ત્યારબાદ અનેક રાજકીય ચડાવ-ઉતાર અને નવા સમીકરણો વચ્ચે તંત્રના મતદાન જાગૃતિ અભિયાન સાથે આ વખતે મતદાનની ટકાવારીમાં વધારો થઈને ૬૦.૭૦ ટકા મતદાન નોંધાયું છે,જેમાં ૨૦૧૪ કરતા આ વખતે કાલાવડ વિધાનસભા બેઠક પર ૧.૮૦%,જામનગર ગ્રામ્યમાં ૫.૨૫%,જામજોધપુર ૨.૦૦%,ખંભાળિયામાં ૫.૦૦% અને દ્વારકા બેઠક પર ૫.૧૩% મતદાનની ટકાવારીમાં ધરખમ વધારો થયો છે,અને આ તમામ બેઠકોનું કુલ સરેરાશ ૧૯.૧૮ ટકા જેવું મતદાન છે.જેની સામે જામનગર ઉત્તરની બેઠક પર ૨૦૧૪ કરતા આ વખતે ૨.૧૫ ટકા મતદાનનો વધારો થયો છે,અને જામનગર દક્ષિણ બેઠક પર મતદાનના નજીવો ઘટાડો નોંધાયો છે,

આમ આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત ૨૬ અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીજંગમાં ઉતર્યા હતા,તેવામાં ક્યાંકને ક્યાક અપક્ષ ઉમેદવારો પણ પરિણામ પર અસર કરી શકે છે,અને શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે,ત્યારે મતદારોનો મિજાજ આ વખતે કેવો રહ્યો તે રાજકીય પંડિતો પણ કહી શકતા નથી.


